લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
01, ઓક્ટોબર 2026 |
1980
શહેરમાં ટ્રાફિક નિયમોના ભંગ સામે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવતી હોવાના દાવા વચ્ચે હવે સત્તાધારી પક્ષના જ ધારાસભ્યએ ટ્રાફિક પોલીસની કામગીરી સામે ગંભીર સવાલો ઉઠાવ્યા છે. ધારાસભ્ય કુમાર કાનાણીએ પોલીસ કમિશનરને પત્ર લખીને ટુ-વ્હીલર ચાલકો સામે દંડની કાર્યવાહી થતી હોવા છતાં ટ્રાફિક માટે વધુ જોખમી બનેલા ભારે વાહનો સામે પૂરતી કાર્યવાહી ન થતી હોવાનો આક્ષેપ કર્યો છે. ધારાસભ્ય કુમાર કાનાણીએ પત્રમાં સવાલ કર્યો છે કે પ્રતિબંધિત સમયમાં શહેરના રસ્તાઓ પર ડમ્પર અને ટ્રક બેફામ દોડતા હોવા છતાં ટ્રાફિક પોલીસની કાર્યવાહી ક્યાં છે? ટ્રેક્ટર, ટ્રક સહિત ખુલ્લી રેતી-માટી ભરેલા વાહનો રસ્તા પર દોડતા હોવા છતાં તેમના સામે કડક પગલાં કેમ લેવાતા નથી તેવો સવાલ પણ ઉઠાવ્યો છે.
શહેરમાં ખાનગી બસો તથા અન્ય મોટા વાહનો દ્વારા બેફામ એરહોર્ન વગાડીને લોકોને પરેશાન કરવામાં આવતા હોવાનો મુદ્દો પણ કાનાણીએ ઉઠાવ્યો છે. ટ્રાફિકને નડતરરૂપ ર્પાકિંગ, નંબર વગરની રિક્ષાઓ અને ક્ષમતા કરતાં વધુ મુસાફરો ભરેલી રિક્ષાઓ સામે પણ કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. ત્રણ રસ્તા અને ચાર રસ્તા પર રસ્તો રોકાય તે રીતે રિક્ષાઓ ઊભી રહેતી હોવા છતાં પોલીસ શું કાર્યવાહી કરે છે તેવો સવાલ પણ પત્રમાં કરવામાં આવ્યો છે. કાનાણીએ શહેરના ટ્રાફિક સિગ્નલની કામગીરી અને મેન્ટેનન્સ સામે પણ આંગળી ચીંધી છે. સિગ્નલના ટાઈમિંગ સહિતની સમસ્યાઓનો ઉલ્લેખ કરી તેમણે ‘સિગ્નલના પ્રોજેક્ટનું બાળમરણ થયું છે, તેનું શું?’ તેવો સવાલ કર્યો છે. ભવાની સર્કલ, સરસ્વતી સર્કલ, કાપોદ્રા અને ખાંડ બજાર સહિતના વિસ્તારોમાં ટ્રાફિક વ્યવસ્થા સુધારવાની માંગ સાથે તેમણે રસ્તા પરના દબાણો અને નડતરરૂપ ર્પાકિંગ દૂર કરવા પણ રજૂઆત કરી છે.
કુમાર કાનાણીના પત્રમાં ૮ મુદ્દે સીધા સવાલ
સિગ્નલનું મેન્ટેનન્સ અને ટાઈમિંગ યોગ્ય કેમ નથી?
પ્રતિબંધિત સમયમાં દોડતા ડમ્પર-ભારે વાહનો સામે કાર્યવાહી કેમ નહીં?
ખુલ્લી રેતી-માટી ભરેલા ટ્રક-ટ્રેક્ટરો સામે પગલાં કેમ નહીં?
એરહોર્ન વગાડતી ખાનગી બસો-મોટા વાહનો સામે કાર્યવાહી કેમ નહીં?
ટ્રાફિકને નડતરરૂપ ગેરકાયદે ર્પાકિંગ સામે કાર્યવાહી કેમ નહીં?
નંબર વગરની, વધુ મુસાફરો ભરેલી રિક્ષાઓ સામે કાર્યવાહી કેમ નહીં?
ચાર રસ્તા પર રોડ રોકીને ઊભી રહેતી રિક્ષાઓ સામે કાર્યવાહી કેમ નહીં?
દબાણોના કારણે સર્જાતી ટ્રાફિક સમસ્યા દૂર કરવા પોલીસ કાર્યવાહી કેમ કરતી નથી?
અડાજણમાં પાલિકાની પોલ ખૂલી, ઓવરબ્રિજના વરસાદી પાઇપ રોડ પર ધડાધડ પડ્યાં
સુરત મહાનગર પાલિકાના જાળવણી તંત્રની બેદરકારીનો વધુ એક કિસ્સો અડાજણના ગુજરાત ગેસ સર્કલ પાસે સામે આવ્યો છે. ઓવરબ્રિજની નીચે વરસાદી પાણીના નિકાલ માટે લગાવવામાં આવેલા પાઇપના ક્લેમ તૂટી જતાં પાઇપ મુખ્ય રોડ પર ધડાધડ પડી ગયા હતા. આશ્ચર્યની વાત એ છે કે રસ્તા પર જોખમી સ્થિતિ સર્જાઈ હોવા છતાં લાંબા સમય સુધી પાલિકા તંત્રને તેની જાણ સુધ્ધાં થઈ ન હતી. સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ પાલિકાએ તાત્કાલિક કામગીરી કરી હતી.