સતત ધમધમતા ગીતામંદિર એસ.ટી. સ્ટેન્ડમાં ૧૦ દિવસના નવજાત શિશુને ત્યજી માતા ફરાર
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
07, ઓક્ટોબર 2026  |   1584

અમદાવાદના ગીતામંદિર જૂના એસ.ટી. બસ સ્ટેન્ડ ખાતે ખોડલરાજ નાસ્તાની દુકાન અને હેરીટેજ દરવાજા વચ્ચે આવેલી ખુલ્લી જાહેર જગ્યામાં ૩૫થી ૪૦ વર્ષની એક અજાણી મહિલા આશરે ૧૦ દિવસના નવજાત બાળકને સંપૂર્ણ ત્યજી દેવાના ઇરાદે મૂકીને ફરાર થઈ ગઈ હતી. કાગડાપીઠ પોલીસ સ્ટેશનની શી-ટીમે ઘટનાસ્થળે પહોંચી બાળકનો કબજાે મેળવી સારવાર કરાવી હતી. બાળકના વાલીવારસ ન મળતાં આખરે કાગડાપીઠ પોલીસે આ મામલે તે મહિલા વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ગીતામંદિર એસ.ટી. બસ સ્ટેશનના અંદરના ભાગે ક્રિષ્ના મેડિકલ સ્ટોર સામે આવેલી ખુલ્લી જગ્યામાં કોઈ નવજાત બાળક મૂકી ગયું હોવાની કાગડાપીઠ પોલીસને વર્ધી મળી હતી. જેથી પોલીસ ની ટીમ સ્થળ પર પહોંચી તપાસ કરી ત્યારે ખોડલરાજ નાસ્તાની દુકાન અને હેરીટેજ દરવાજા વચ્ચે આશરે દશેક દિવસનું નવજાત બાળક બિનવારસી હાલતમાં મળી આવ્યું હતું. એસ.ટી. બસ સ્ટેન્ડમાં માઇક દ્વારા જાહેરાત કરાવવા છતાં બાળકના વાલીવારસ મળી આવ્યા નહોતા. પોલીસે સીસીટીવી કેમેરા ચેક કરતાં બપોરે આશરે ૧૪:૦૫ વાગ્યે મહેંદી કલરની સાડી પહેરેલી ૩૫થી ૪૦ વર્ષની અજાણી મહિલા બાળકને મૂકીને જતી રહેતી જાેવા મળી હતી. શી-ટીમે બાળકને તાત્કાલિક એલ.જી. હોસ્પિટલના પીડિયાટ્રિક વોર્ડમાં સારવાર માટે દાખલ કરાવ્યું હતું. જ્યાંથી રજા મળ્યા બાદ બાળકની સારસંભાળ માટે નિરાધાર બાળકોની સંસ્થા મહીપતરામ રૂપરામ આશ્રમ ખાતે સોંપવામાં આવ્યું હતું. બીજી તરફ આ મામલે કાગડાપીઠ પોલીસે નવજાત બાળકને મૂકીને ફરાર અજાણી મહિલા સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution