આણંદમાં મ્યુલ એકાઉન્ટ અને બેંક કીટની હેરાફેરી કરનારા ૪ ઝડપાયા
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
20, ઓગ્સ્ટ 2026  |   1386

આણંદ સાયબર ક્રાઈમ પોલીસે ગઈકાલે સાંજના સુમારે નેશનલ હાઈવે નંબર ૮ ઉપર આવેલા ગામડી ઓવરબ્રીજની નીચે છાપો મારીને ચાર શખ્સોને સાયબર ફ્રોડના નાણાં જમા કરાવવા માટે મ્યુલ એકાઉન્ટો ખોલાવીને બેન્કોની કીટોની હેરાફેરી કરતા ઝડપી પાડયા હતા. પોલીસને પકડાયેલા શખ્સો પાસેથી પાસબુકો, સીમકાર્ડ, મોબાઈલ ફોન સહિત કેટલુંક બેન્કને લગતુ વાંધાજનક સાહિત્ય મળી આવતાં તે જપ્ત કરીને વધુ તપાસ અર્થે રીમાન્ડ પર મેળવવાની તજવીજ હાથ ઘરી છે.પ્રાપ્ત વિગત અનુસાર પોલીસને માહિતી મળી હતી કે, સાયબર ક્રાઈમને લગતા ગુના આચરતી ગેંગના માણસો લોકો પાસેથી ગેરકાયદેસર બેન્ક એકાઉન્ટો ખોલાવીને તેમની પાસેથી કીટો મેળવી મળતીયા મારફતે સાયબર ફ્રોડ આચરતી ગેંગને મોકલીને દેશના જુદા-જુદા રાજ્યોના લોકો પાસેથી ઓનલાઈન કરેલી ઠગાઈના નાણાં ઉક્ત એકાઉન્ટોમાં જમા કરાવી રહ્યા છે. આ સભ્યો હાલમાં ગામડી ઓવરબ્રીજ નીચે આવા એકાઉન્ટોની કીટોની હેરાફેર કરી રહ્યા છે. જેથી પોલીસે છાપો મારતાં ચાર શખ્સો ઝડપાઈ જવા પામ્યા હતા. તેમની પાસેથી પાસબુકો, સીમકાર્ડ, બેંકને લગતુ સાહિત્ય વગેરે મળી આવ્યું હતુ. જે અંગે પુછપરછ કરતા તેઓ કોઈ સંતોષકારક જવાબ આપી શક્યા નહોતા. જેથી સાયબર ક્રાઈમની ઓફિસે લાવીને નામઠામ પુછતા ઈકબાલભાઈ તૌસીફભાઈ ખલીફા (રે. સુરેલી), જાવરખાન (સુરેલી), દાઉદભાઈ ખ્રિસ્તી (રે. સુંદલપુરા) દ્વારા હબીબખાન મહેશભાઈ ગ્રામજનોને ભોળવીને તેઓના એકાઉન્ટો ખોલાવીને બેન્કોની કીટો મેળવીને કમીશન લઈને મહંમદ ઝુબેરને આપતા હતા. જેથી મહંમદ જુબેરની પુછપરછ કરતા તે કમીશન લઈને ઉક્ત બેન્કોની કીટો અમદાવાદ ખાતે રહેતા સીપાઈ અબ્દુલ્લા ઉર્ફે છોટુ નામની વ્યક્તિને આપતો હતો. આ અંગે પોલીસે તમામ વિરૂધ્ધ ગુનો દાખલ કરીને મુખ્ય સુત્રધાર એવા અમદાવાદના અબ્દુલ્લા ઉર્ફે છોટુને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસના જણાવ્યા અનુસાર ઉક્ત શખ્સો કમિશન ઉપર મ્યુલ એકાઉન્ટોખોલાવીને સાયબર ફોડના નાણાં જમા કરાવવા માટે સાયબર ક્રાઈમ આચરતી ગેંગોને આપતા હતા. જેથી તેમના રીમાન્ડ મેળવવાની તજવીજ હાથ ઘરી છે. રીમાન્ડ દરમ્યાન આવા કેટલા એકાઉન્ટો ખોલાવ્યા છે અને કેટલુ કમીશન મેળવતા હતા જેવી બાબતો ઉજાગર થવા પામનાર છે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution