લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
24, ઓગ્સ્ટ 2026 |
2376
કામની સાથે સાથે પ્રવાસ કરવાનો ક્રેઝ વધતાં વૈશ્વિક સ્તરે બહાર પડેલા ‘વર્ક ફ્રોમ એનીવ્હેર ઇન્ડેક્સ ૨૦૨૬’માં ભારતની આર્થિક રાજધાની મુંબઈએ ભવ્ય ડેબ્યૂ કર્યું છે. IWG દ્વારા જાહેર કરવામાં આવેલા વિશ્વના શ્રેષ્ઠ વર્કકેશન સ્થળોના ચોથા વાર્ષિક રેન્કિંગમાં સ્થાન મેળવનાર મુંબઈ સમગ્ર ભારતનું એકમાત્ર શહેર બન્યું છે. આ વૈશ્વિક સર્વેક્ષણમાં શહેરોના હવામાન, બ્રોડબેન્ડ કનેક્ટિવિટી, રહેઠાણ, ટ્રાન્સપોર્ટ, સ્થાનિક સંસ્કૃતિ, ફૂડ અને ‘ફ્લેક્સિબલ વર્કસ્પેસ’ની ઉપલબ્ધતા જેવા મહત્વના પરિબળોને આધારે સ્કોર આપવામાં આવે છે. મુંબઈએ ૭૭ પોઈન્ટ્સનો સ્કોર મેળવીને લંડન અને મિયામી જેવા વિશ્વવિખ્યાત શહેરોને પણ પાછળ છોડી દીધા છે.
રિપોર્ટ અનુસાર, મુંબઈએ ઉત્કૃષ્ટ સાર્વજનિક પરિવહન, પરવડે તેવા રહેઠાણ અને ઝડપથી વિસ્તરી રહેલી કો-વર્કિંગ ઓપન સ્પેસ ઇકોસિસ્ટમ ક્ષેત્રે જબરદસ્ત દેખાવ કર્યો છે. એશિયા-પેસિફિક ક્ષેત્રમાં ભારત સૌથી મોટા ફ્લેક્સિબલ ઓફિસ માર્કેટ તરીકે ઉભરી આવ્યું છે. જાેકે, બ્રોડબેન્ડ ઈન્ટરનેટ સ્પીડ અને ગ્લોબલ હેપ્પીનેસ ઈન્ડેક્સ જેવા ક્ષેત્રોમાં મુંબઈનો સ્કોર સરખામણીએ થોડો નીચો રહ્યો હતો.
વૈશ્વિક રેન્કિંગની વાત કરીએ તો ૧૦૬.૫ ના વિશાળ સ્કોર સાથે થાઈલેન્ડનું બેંગકોક પ્રથમ ક્રમે રહ્યું છે, જ્યારે ૯૬.૫ સ્કોર સાથે ટોક્યો બીજા અને ૯૫.૫ સ્કોર સાથે બાર્સેલોના ત્રીજા સ્થાને રહ્યું છે.
IWGસંશોધન મુજબ, વિશ્વભરમાં ૫૧% નોકરીદાતાઓ હવે ‘વર્ક ફ્રોમ એનીવ્હેર’ ની નીતિ અપનાવી રહ્યા છે. સર્વેમાં ભાગ લેનારા ૯૦% થી વધુ કર્મચારીઓએ સ્વીકાર્યું હતું કે, રજાઓ દરમિયાન દૂરથી કામ કરવાથી તેમનું વર્ક-લાઈફ બેલેન્સ સચવાય છે અને બર્નઆઉટ (માનસિક થાક) થી રાહત મળે છે. વર્ક અને લેઝર (મનોરંજન) ના આ અદ્ભુત મિશ્રણને કારણે ભવિષ્યમાં મુંબઈ ડિજિટલ નોમાડ્સ અને નોકરીયાતો માટે વધુ મોટું આકર્ષણનું કેન્દ્ર બનશે.