લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
07, ઓક્ટોબર 2026 |
1485
સુરત મહાનગરપાલિકા માટે નાસિર નગર ડિમોલિશન કાંડ સતત ગળાનું હાડકું બની રહ્યું છે. ડિમોલિશન કાર્યવાહી અંગે ત્રણ અલગ-અલગ પીટિશન હાઇકોર્ટમાં ચાલી રહી છે ત્યારે હવે વધુ ચાર મિલકતદારો દ્વારા નવી પીટિશન દાખલ કરવામાં આવતા મનપા સત્તાધીશોની મુશ્કેલીમાં વધારો થયો છે. નવી પીટિશનમાં ડીમોલિશનથી અસરગ્રસ્ત તમામ લોકો માટે હેલ્પ ડેસ્ક શરૂ કરવા તેમજ તમામ અસરગ્રસ્ત પરિવારોને વૈકલ્પિક આવાસ ફાળવવાની માગ કરાઇ છે.
નાસિરનગરમાં ડીમોલિશનની થયેલી કાર્યવાહી બાદ અસરગ્રસ્તો દ્વારા કાયદાકીય લડત શરૂ કરવામાં આવી હતી. આ મામલે હાઇકોર્ટમાં મામલો ચાલી રહ્યો છે. કોર્ટ દ્વારા અસરગ્રસ્ત પરિવારોના રહેઠાણ અને વૈકલ્પિક વ્યવસ્થાના મુદ્દે પણ ગંભીરતા દાખવવામાં આવી હોવાનું સામે આવ્યું છે. નાસિરનગર મામલે મનપા માટે સૌથી મોટો પ્રશ્ન અસરગ્રસ્તોની સંખ્યાને લઈને ઊભો થયો છે. મનપાના સત્તાવાર જણાવ્યા મુજબ ડીમોલિશન કાર્યવાહીથી કુલ ૬૩ મિલકતો અસરગ્રસ્ત થઈ હતી. જાે કે, અગાઉ દાખલ થયેલી એક પીટિશનમાં ૧૦૫ અસરગ્રસ્તોનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ બીજી પીટિશનમાં આ સંખ્યા વધીને ૧૫૪ થઈ હતી. હવે નવી પીટિશનમાં અસરગ્રસ્તોની સંખ્યા આશરે ૨૦૦ દર્શાવવામાં આવતા મનપાની ગણતરી સામે પણ સવાલો ઊભા થયા છે. ડિમોલિશનથી ખરેખર કેટલા પરિવારો અને મિલકતો અસરગ્રસ્ત થયા છે તે મુદ્દો હવે કોર્ટની કાર્યવાહીનો મહત્વનો ભાગ બની શકે છે. અસરગ્રસ્તોની સંખ્યા ૧૦૫થી ૧૫૪ અને હવે લગભગ ૨૦૦ સુધી પહોંચતાં મનપા માટે પુન:ચકાસણી અને વાસ્તવિક આંકડા રજૂ કરવાનો પડકાર ઊભો થયો છે. જાે કોર્ટ દ્વારા અસરગ્રસ્તોની વ્યાપક ચકાસણી અથવા પુન:સર્વેનો આદેશ આપવામાં આવે તો મનપા માટે વહીવટી અને નાણાકીય જવાબદારી વધી શકે છે. નવી પીટીશનમાં તમામ અસરગ્રસ્તો માટે હેલ્પ ડેસ્ક શરૂ કરવાની સાથે વૈકલ્પિક આવાસ ફાળવવાની માગ કરવામાં આવી છે. રાજ્ય સ્તરે પણ નાસિર નગર પ્રકરણ અંગે તપાસ અને સુનાવણીની પ્રક્રિયા ચાલી રહી છે. હવે નવી અરજી બાદ હાઇકોર્ટ મનપા અને સરકાર પાસેથી શું જવાબ માંગે છે તથા અસરગ્રસ્તોના પુનર્વસન અંગે શું દિશાનિર્દેશ આપે છે તેના પર સૌની નજર છે.