મુંબઇ

આજે નેશનલ સ્ટોક એકસચેંજનો નીફટી સર્વોચ્ચ ઉંચાઈએ પહોંચી ગયો હતો જોકે સેન્સેકસને રેકોર્ડ સર્જવામાં હજુ એકાદ હજાર પોઈન્ટનું અંતર છે.શેરબજારમાં આજે શરૂઆત ગેપથી થઈ હતી. અમેરિકામાં રોજગારી સહીતનાં આર્થિક આંકડાઓ પ્રોત્સાહક આવવાને પગલે માર્કેટ ઉંચકાયા હતા અને તેના પ્રભાવ હેઠળ વિશ્વબજારનાં શેરબજારો તેજીમાં ધમધમવા લાગ્યા હતા.ભારતીય શેરબજારમાં પણ સારી અસર પડી હતી. કોરાનામાં રાહત, વિદેશી નાણા સંસ્થાઓની લેવાલી જેવા પ્રોત્સાહક કારણો મૌજુદ હતા જ. રિઝર્વ બેન્કે કોરોનાથી અર્થતંત્રને ફટકો પડવાની આશંકા દર્શાવીને શેરબજારની તેજી સામે ચેતવણી આપી હોવા છતાં તે કારણ ડીસ્કાઉન્ટ થઈ ગયુ હતું.

શેરબજારમાં આજે મોટાભાગનાં શેરોમાં ધૂમ લેવાલી હતી. ટીસ્કો, રીલાયન્સ, જેએસડબલ્યુ સ્ટીલ, આઈશર મોટર્સ, સ્ટેટ બેંક, એકસીસ બેંક, બજાજ ફાઈનાન્સ ભારતી એરટેલ, એચડીએફસી બેંક આઈસીઆઈસીઆઈ બેંક, કોટક બેંક, લાર્સન વગેરે ઉંચકાયા હતા.સનફાર્મા ડો.રેડ્ડી, વીપ્રો, બજાજ ઓટો જેવા કેટલાંક શેરો નરમ હતા.મુંબઈ શેરબજારનો સેન્સીટીવ ઈન્ડેકસ 319 પોઈન્ટના ઉછાળાથી 51434 હતો. નેશનલ સ્ટોક એકસચેંજના નીફટીએ 15455.55 ની નવી ઉંચાઈ બનાવી હતી.