જમાઈના મોતના સમાચાર સાંભળતાં જ આઘાતમાં સસરાનું પણ હાર્ટ એટેકથી મોત
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
16, સપ્ટેમ્બર 2026  |   4455

ખેડા જિલ્લાના કપડવંજ પંથકમાંથી એક અત્યંત હૃદયદ્રાવક અને કાળજું કંપાવી દે તેવી કરૂણ ઘટના સામે આવી છે. ગત મધરાતે કપડવંજ-મોડાસા રોડ પર આવેલા વણઝારીયા ગામ નજીક એક અનિયંત્રિત અજાણ્યા વાહને રિક્ષાને જાેરદાર ટક્કર મારતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ ગમખ્વાર અકસ્માતમાં રિક્ષાચાલક જમાઈનું ઘટનાસ્થળે જ ગંભીર ઈજાઓના કારણે કરૂણ મોત નીપજ્યું હતું.

અકસ્માતની જાણ થતાં જ અમદાવાદ ખાતે રહેતા મૃતકના સસરા તાત્કાલિક કપડવંજ દોડી આવ્યા હતા. જાેકે, કપડવંજ પહોંચીને જેવા જ તેમને જાણ થઈ કે પોતાના વહાલસોયા જમાઈનું આ અકસ્માતમાં અકાળે અવસાન થયું છે, તેઓ ભારે આઘાતમાં સરી પડ્યા હતા. જમાઈના મોતના આઘાતજનક અને અસહ્ય સમાચાર સહન ન થઈ શકતાં સસરાનું પણ સ્થળ પર જ હાર્ટ એટેક કે આઘાતના કારણે કરૂણ મોત નીપજ્યું હતું.

એક જ પરિવારમાં કલાકોના અંતરે જમાઈ અને સસરા બંનેના અકાળે મોત થતાં પરિવારજનો પર દુ:ખનું આભ તૂટી પડ્યું છે. આ કરૂણ બનાવને પગલે સમગ્ર કપડવંજ પંથકમાં ભારે અરેરાટી સાથે શોકની ઘેરી કાલીમા છવાઈ ગઈ છે. બનાવ અંગે સ્થાનિક પોલીસે અકસ્માત સર્જીને ફરાર થઈ ગયેલા અજાણ્યા વાહનચાલક વિરુદ્ધ ગુનો નોંધી તેને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. 

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution