પંચાયત તલાટીઓને ૧૫ ઓક્ટોબર સુધી તમામ કામગીરી સંભાળવા આદેશ અપાયો
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
09, સપ્ટેમ્બર 2026  |   1782

ગુજરાત સરકાર દ્વારા ૧૭ ઓગસ્ટ ૨૦૨૬ના ઠરાવ (ક્રમાંક: પી/આર/એચ/આર/ડી/ડી/જે/સી/૧૪/૨૦૨૬/૩૨૪૫) મુજબ પંચાયત તલાટી અને મહેસૂલ તલાટી વચ્ચે કામગીરીની સ્પષ્ટ વહેંચણી કરતો ચાર્ટ અમલી બનાવવામાં આવ્યો હતો. આ ઠરાવ અન્વયે તમામ ગ્રામ પંચાયતોના રેકોર્ડ પંચાયત તલાટી દ્વારા તાત્કાલિક ધોરણે મહેસૂલ તલાટીને સોંપવાના થતા હતા. પરંતુ, રાજ્યભરમાં મહેસૂલી તલાટીઓ માટે બેસવાની જગ્યા તેમજ રેકોર્ડ સંપૂર્ણપણે તૈયાર ન હોવાને કારણે પડતી વહીવટી મુશ્કેલીઓ અંગે સરકારમાં રજૂઆતો થઈ હતી. જેને ધ્યાને રાખીને સરકારે નવી માર્ગદર્શિકા બહાર પાડી છે.

પ્રજાજનોને વહીવટી હાલાકી ન ભોગવવી પડે તે હેતુથી સરકારે પરિપત્ર જારી કરીને સ્પષ્ટ કર્યું છે કે ૧૫ ઓક્ટોબર ૨૦૨૬ સુધી પંચાયત વિભાગના તલાટી કમ મંત્રી જ તમામ પ્રશ્નો અને કામગીરી પૂર્ણ કરશે. નાગરિકોને પેઢીનામું, વારસાઈના દાખલા કે અન્ય પંચાયત સંબંધિત સેવાઓ માટે પંચાયત તલાટીનો જ સંપર્ક કરવાનો રહેશે, જેથી સામાન્ય જનતાને પોતાના કામકાજ માટે અટકવું ન પડે.

રાજ્ય સરકાર ૧૫ ઓક્ટોબર સુધીમાં દરેક ગ્રામ પંચાયતમાં મહેસૂલ તલાટીઓની ફાળવણી અને નિમણૂક પ્રક્રિયા પૂર્ણ કરી દેશે. આ સાથે જ પંચાયત તલાટી કમ મંત્રીને આદેશ આપવામાં આવ્યો છે કે તેઓ પોતાના સેજા હેઠળ આવતા મહેસૂલ તલાટીઓને બેસવા માટે યોગ્ય જગ્યા અને જરૂરી તમામ રેકોર્ડ સમયસર ઉપલબ્ધ કરાવી દે. સરકારના આ પ્રજાભિમુખ ર્નિણયથી ૧૫મી ઓક્ટોબર સુધી રાજ્યના નાગરિકોને સરકારી કામકાજમાં કોઈ વિલંબ કે તકલીફનો સામનો કરવો પડશે નહીં.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution