લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
09, સપ્ટેમ્બર 2026 |
1881
કતારગામનાં પટેલ દંપતીને તેમના નામે લેવાયેલા સીમકાર્ડ અને ખોલાવાયેલા બેંક એકાઉન્ટનો ગેરકાનૂની પ્રવૃતિમાં ઉપયોગ થયો હોય ફરિયાદ નોંધાઇ છે એમ કહી ૯૫ કલાક ડિજિટલ એરેસ્ટ કરાયા હતાં. આ દરમિયાન તેમના ડીમેટ એકાઉન્ટમાંથી શેર વેચાણ કરાવી ૧૩ લાખ રૂપિયા તપાસનાં નામે પડાવી લેવાયા હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.
સાયબર ક્રાઇમ પોલીસ પાસે મળતી માહિતી અનુસાર ફૂલપાડા સ્થિત યોગેશ્વર કોમ્પલેક્ષમાં રહેતા હાર્દિક પટેલ કિરણ જેમ્સમાં કોમ્પ્યુટર ઓપરેટર તરીકે નોકરી કરે છે. ગત ૧૦મી જાન્યુઆરીએ સાંજે હાર્દિકને અજાણ્યાનો કોલ આવ્યો હતો. કોલ કરનારે ટેલિકોમ ડિપાર્ટમેન્ટ માંથી બોલતા હોવાનું જણાવી કહ્યું હતું કે, તમારા નામ ઉપર મહારાષ્ટ્ર રાજ્યમાં બીજું સીમ કાર્ડ ચાલુ છે . એ નંબરથી કોલ કરી હેરેસમેન્ટ કરાઇ રહ્યું છે, ખોટી જાહેરાતો મારફતે લોકો પાસેથી પૈસા પડાવવામાં આવે છે. ફરિયાદ મળી હોય તમારું સિમકાર્ડ બે કલાકમાં બંધ થઈ જશે.
તમારૂ હાલનું કાર્ડ ચાલુ રાખવા અને અન્ય કાર્ડ બંધ કરવા માટે મહારાષ્ટ્ર પોલીસ પાસે એનઓસી લેવું પડશે. તમારી ઉપર મહારાષ્ટ્ર પોલીસમાંથી કોલ આવશે એમ કહી એ વ્યક્તિએ કોલ કટ કરી દીધો હતો.
ત્યારબાદ હાર્દિકને અન્ય એક વ્યક્તિએ કોલ કરી સાયબર સેલ ડિપાર્ટમેન્ટ મુંબઇથી વાત કરી રહ્યાનું જણાવ્યું હતું. એ વ્યક્તિએ હાર્દિકને તેની સામે થયેલી એફઆઇઆરની માહિતી પણ આપી હતી. ત્યારબાદ સાંજે તેને વીડિયો કોલ આવ્યો હતો. જેમાં પોલીસ યુનિફોર્મમાં બેસેલા વ્યક્તિએ તેની ઓળખ પ્રદીપ સાવંત તરીકે આપી હતી. એ સાવંતે જણાવ્યું હતું કે, "તમારા નામથી કેનેરા બેંકમાં એકાઉન્ટ ખોલાવાયું છે, જેમાં ગેરકાયદેસરનાં નાણાંની હેરાફેરી થઇ છે. આ કેસમાં ઘણા બધા આરોપીઓ સંડોવાયેલા છે, તમો અમોને મદદ કરશો તો તમારા કેસની એનઓસી આપી દઈશું. જાે કે તપાસ પુરી થાય ત્યાં સુધી તમારે તથા તમારી પત્નીએ સર્વેલન્સ ઉપર રહેવું પડશે અને તમારે વિડીયો કોલ છોડીને ક્યાંય જવાનું નથી. જાે કોઈ કામથી બહાર જવાનું થાય તો અમોને જાણ કરીને જવાનું રહેશે.
કોલ ચાલુ હતો ત્યારે જ હાર્દિકને સીબીઆઇનાં નામ સાથે લેટર મોકલાયો હતો. જેમાં નરેશ ગોયેલ મની લોન્ડરિંગ કેસમાં નામ આવ્યું હોવાનું જણાવાયું હતું. સાવંતે આ દંપતિને સળંગ ૨૨ કલાક ૫૭ મિનિટ સુધી વિડીયો કોલ ચાલુ રખાવ્યો હતો. ત્યારબાદ ૧૧ જાન્યુઆરી, ૨૦૨૬નાં રોજ હાર્દિકને ફરી વીડિયો કોલ આવ્યો હતો. આ કોલ ૭૨ કલાક ૧ મિનિટ વિડીયો કોલ ચાલુ રહ્યો હતો. આ કોલ દરમિયાન હાર્દિક પાસે નોકરી, પગાર તથા શેર માર્કેટમાં કરેલા રોકાણ વગેરે નાણાંકીય માહિતી માગવામાં આવી હતી. ત્યારબાદ તેઓએ હાર્દિક પાસે તેના એકાઉન્ટમાંથી ૯,૧૯,૮૩૯ તથા પત્ની અપેક્ષાનાં ડીમેટ એકાઉન્ટમાંથી ૩,૪૦,૯૮૬નાં શેર વેચાવી દીધા હતાં.
ત્યારબાદ ૧૫મી તારીખે સાવંતે વિડીયો કોલ કરી હાર્દિકનાં એકાઉન્ટમાં રહેલા ૧૦ લાખ જ્યારે તેની પત્નીનાં એકાઉન્ટમાંથી ૦૩ લાખ રૂપિયા તપાસના નામે ટ્રાન્સફર કરાવી દીધા હતાં. સાથે જ રૂપિયા ટ્રાન્સફર કર્યાનાં ઇ-મેઇલનો સ્ક્રીન શોટ રાજેશ મિશ્રાને મોકલાયો હતો. ત્યારબાદ રાજેશ મિશ્રાએ હાર્દિકને મેસેજ કરી જણાવ્યું હતું કે, તમે કોઈ મની લોન્ડરિંગ કેસમાં સંડોવાયેલા નથી. તમારા દ્વારા ટ્રાન્સફર કરવામાં આવેલ નાણાંનો ચેક તથા એનઓસી સ્પીડ પોસ્ટથી સ્થાનિક પોલીસ સ્ટેશનમાં મોકલી દેવાશે. ત્યારબાદ ૧૭મી તારીખે પ્રદીપ સાવંત નામથી એક વોટ્સએપ વોઇસ કોલ આવ્યો હતો. જેમાં કહેવાયું હતું કે, તમારા રૂપિયા તમારે પરત લેવા હોય તો તમારે સીક્યુરિટી પેટે ૨૫% રકમ ટ્રાન્સફર કરવી પડશે.
હાર્દિકે આ રકમ ટ્રાન્સફર કરવાની ના પાડવા સાથે તે કતારગામ પોલીસ સ્ટેશન પહોંચી ગયો હતો. જ્યાં અધિકારીએ ડિજિટલ એરેસ્ટનાં નામે સાયબર ફ્રોડ થયાનું જણાવતાં હાર્દિકે સાયબર ક્રાઇમ હેલ્પલાઇન નં.૧૯૩૦ ઉપર ફરિયાદ કરી હતી જેના આધારે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.