લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
08, જુલાઈ 2026 |
3762
શહેરમાં બે દિવસમાં રેકર્ડ બ્રેક વરસાદ પડતાં ચોમેર પાણી પાણી થઇ ગયું હતું. નદી અને ખાડી પુરથી ટેવાયેલા સુરતીઓએ લાંબા સમય બાદ વરસાદી પુરનો અનુભવ કર્યો હતો. અનરાધાર વરસાદને કારણે શહેર આખું જળ મગ્ન બની ગયું હતું. નીચાણ વાળા કે ખાડી કિનારેનાં વિસ્તારોમાં સ્થિતિ વધુ સંગીન બની હતી. આ સ્થિતિમાં શહેર પોલીસ તંત્ર રાઉન્ડ ધ ક્લોક ખડે પગે રહ્યું હતું. મંગળવાર રાત થી બધુવારની સવાર સુધીમાં ડિડોલી ગોડાદરા અને પાંડેસરા પોલીસે એનડીઆરએફ સાથે ૫૦૦૦થી વઘુ પુરગ્રસ્તોને ઉગાર્યા હતા.
સોમવારે વરસાદ શરૂ થયો ત્યારથી ઇન્ચાર્જ પોલીસ કમિશનર વાબાંગ જામીર મેદાને આવી ગયા હતાં. તેમણે તમામ ડીસીપી અને અધિક કમિશનરો સાથે તાકીદની બેઠક યોજી હતી. આ અધિકારીઓને તેમના વિસ્તારમાં પેટ્રોલિંગ કરી સ્થિતિ ચાંપતી નજર રાખવા જણાવ્યું હતું. મંગળવારે સવારથી વરસાદનું જાેર વધતાં રસ્તાઓ પર પાણી ભરાવાની શરૂઆત થઈ એટલે પોલીસ અધિકારીઓને મેદાને ઉતારી દેવાયા હતા. તમામ પોલીસ મથકોનાં ઇન્સપેક્ટરોને તેમના વિસ્તારના નીચાણવાળા વિસ્તારમાં પહોંચી જવા સૂચના અપાઇ હતી. આ અધિકારીઓએ જ્યાં પાણી ભરાયા હતા એ સ્થળની મુલાકાત લઇ ત્યાં જરૂરી પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો હતો. દરમિયાન શહેરના માર્ગો પર પાણી વહેવા માંડ્યા હતાં. બે થી ત્રણ ફૂટ પાણી વચ્ચે વાહનો ખોટકાવા માંડ્યા અને ટ્રાફિક જામ થવા માંડ્યો હતો. આવી સ્થિતિમાં અનિચ્છનીય બનાવ ન બને એની તકેદારી વચ્ચે પોલીસ અધિકારી અને જવાનો રસ્તા વચ્ચે રહ્યા હતા. તેમણે ટ્રાફિક ક્લિયર કરાવવા સાથે વાહનો સલામત રીતે પસાર થાય એની કાળજી રાખી હતી. જાેખમી જણાયા એ રસ્તા બંધ કરી ટ્રાફિક ડાયવર્ટ કરાયો હતો. જ્યારે ફસાયેલા લોકોને મોબાઇલ વાન, ટ્રેક્ટર, ટેમ્પા, ટ્રક વિગેરે વાહનોમાં બેસાડી સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા.
આ કામગીરીમાં સચિન, સચિન જીઆઇડીસી, પાંડેસરા, ડિંડોલી, લિંબાયત, ગોડાદરા, પુણા, સરથાણા, કાપોદ્રા, વરાછા, અમરોલી, ચોકબજાર, રાંદેર, અડાજણ, પાલ અને ડુમસ પોલીસ સૌથી વ્યસ્ત જાેવા મળી હતી. ક્રાઇમ બ્રાન્ચની ટીમે શહેરના છેવાડા ખાડીપુરથી અસરગ્રસ્ત વિસ્તારોની કમાન સંભાળી હતી. ઉપરવાસમાં વરસાદના કારણે આ વિસ્તારમાંથી પસાર થતી ખાડીઓ બે કાંઠે થઇ ગઇ હતી. સતત વરસાદ વચ્ચે ખાડીનું લેવલ વધતાં પાણીનો કુદરતી નિકાલ અવરોધાયો હતો. જેથી આસપાસના વિસ્તારમાં પાણીનો ભરાવો થવા માંડ્યો હતો. આ સ્થિતિમાં પોલીસે પાલિકા તંત્ર ઉપરાંત એનડીઆરએફ સાથે સંકલન સાધી સ્થળાંતર સુધીના આવશ્યક પગલા ભર્યા હતાં. ગોડાદરામાં દેવધ રોડ ઉપર એક કન્સ્ટ્રક્શન સાઇટ પર ફસાયેલા કામદારોને મંગળવારે મોડીરાત પછી ક્રાઇમ બ્રાન્ચની ટીમે સ્થળાંતર કરવાવવાનું શરૂ કર્યું હતું, બોટમાં બેસાડી શ્રમજીવી પરિવારોને બહાર કાઢવાની આ કામગીરી સવાર સુધી ચાલી હતી. કમર સુધીના પાણી અને અંધારીયા વાતાવરણમાં ક્રાઇમ બ્રાન્ચની ટીમે અઢીસોથી વધું લોકોને બહાર કાઢ્યા હતાં. ગોડાદરા પોલીસે પણ ૩૫૦ જેટલા લોકોને સલામત સ્થળે ખસેડ્યા હતાં. ડિંડોલી પોલીસે માર્ક પોઇન્ટ બિલ્ડિંગ પાસે ખાડી પુલ આસપાસ વિસ્તારથી ૫૦૦ જેટલા માણસો નું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. કામધંધે ગયેલા અને ઘરે પરત ફરવા ઇચ્છતાં આ નાગરિકો પુરનાં પાણીમાં ફસાઇ ગયાં હતા. આ તમામને ડિંડોલીનાં ઇન્સ્પેકટર પી. એલ. વાઘેલાએ તેમના સ્ટાફ સાથે મળીને સલામત સ્થળે પહોંચાડ્યા હતા. આ ઉપરાંત સી.આર. પાટીલ બ્રિજ પાસે કચરાના ગોડાઉન પાસેની વસાહતમાં ઘણાં લોકો ફસાયા હોવાનું જાણવા મળતાં વાઘેલા ટીમ સાથે દોડી ગયા હતા. જ્યાંથી પણ ૬૦૦થી વધુ લોકોને સલામત સ્થળે ખસેડ્યા હતાં. મોટા વરાછાના ઉમરાગામ - વેલેંજાગામ વિસ્તારમાં આવેલ નીચાણવાળા ઘરોમાં પાણી ભરાઈ ગયા હતાં. આ અંગે માહિતી મળતા ઉત્રાણ પોલીસ મથકના એચ. આર. ગોસ્વામી સ્ટાફ સાથે ત્યાં ધસી ગયા હતાં. પોલીસે અહીંથી સવાસોથી વધુ લોકોને બહાર કાઢ્યા હતા. જેમાં બાળકો, ગર્ભવતી મહિલાઓ અને વૃધ્ધો મોટી સંખ્યામાં હતા. આ તમામને પીસીઆર વાનમાં બેસાડી વેલેંજા સરકારી સ્કુલમાં પહોંચાડાયા હતાં જ્યાં તેમના માટે ભોજન સહિતની વ્યવસ્થા પણ
કરાઇ હતી.
બમરોલી રોડ ઉપરનાં લક્ષ્મી હોમ્સ પાસે ત્રણ દિવસથી ફસાયેલાં ૬૦૦ લોકોને રેસ્ક્યુ કર્યાં
પાંડેસરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બમરોલી રોડ ઉપર આવેલા લક્ષ્મી હોમ્સ પાસે પણ કેડ સમા પાણી ભરાઇ ગયા હતાં. સોમવારે બપોરથી ભરાયેલું આ પાણી બુધવારે સવારે પણ ઉતર્યું ન હતું. આ પાણી વચ્ચે ફસાયેલા લોકોએ મદદ માટે પોલીસનો સંપર્ક કર્યો હતો. જેથી ઇન્સ્પેક્ટર કે. ડી. જાડેજા તેમની ટીમ સાથે ત્યાં દોડી ગયા હતા. સ્થળ સ્થિતિ તપાસતાં ફસાયેલા લોકો સુધી સીધી રીતે કે કોઇ વાહનમાં બેસી પહોંચી શકાય એવું જણાયું ન હતું, જેથી જાડેજાએ તુરંત એનડીઆરએફનો સંપર્ક કર્યો હતો. આ ટીમ આવતાં જ બોટ તથા ટ્રેક્ટરમાં બેસાડી ૧૦૦થી વધુ માણસોને બહાર કાઢ્યા હતા. ભેદવાડ ખાડીથી ૨૫૦થી વધું વ્યક્તિને માતોશ્રી હોલ, પાંડેસરા ગામથી ૧૦૦ માણસોને ઉડિયા સ્કુલ લઇ જવાયા હતાં. પાંડેસરા પોલીસે ૧૦૦ બાળકો, ૨૫૦ પુરુષ, ૨૦૦ મહિલાઓ મળી ૬૦૦થી વધુ વ્યક્તિને સલામત સ્થળે ખસેડ્યા હતાં.