તાંત્રિક વિધિના નામે ભૂવાજી દ્વારા બળાત્કાર ગુજારાતાં પોલીસે આરોપી સામે ગુનો નોંધ્યો
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
25, જુલાઈ 2026  |   1782

ડીસા તાલુકાના એક ગામની ૨૧ વર્ષીય પરિણીતાને શારીરિક બીમારીમાંથી સાજી કરવાના બહાને તાંત્રિક વિધિના નામે ભુવાજી દ્વારા બળાત્કાર ગુજારાતાં પોલીસે આરોપી ભુવાજી સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. અ અંગેની વિગતે છે કે, પીડિત મહિલા સતત બિમાર રહેતી હોવાથી તેના સાસરિયાઓ અને પતિના કહેવાથી મોરથલ ગોળીયા ગામે રહેતા અને મોમજી મંદિરના ભુવાજી તરીકે ઓળખાતા અજમલભાઈ ખેંગારભાઈ સોલંકી પાસે લઈ જવાઈ હતી. ઓગસ્ટ ૨૦૨૫માં, મહિલાના શરીરમાંથી વળગાડ દૂર કરવાની વિધિ કરવાના બહાને ભુવાજી અજમલ સોલંકી મહિલા અને તેના પતિને મોરથલ ગોળીયા મુકામે ખેતરમાં આવેલી એક ઓરડીએ લઈ ગયા હતા. ત્યાં પતિને બહાર ઊભો રાખી, ઓરડીમાં ધૂપ-ધૂમાડો કરી વિધિના નામે મહિલાની મરજી વિરુદ્ધ તેના વસ્ત્રો ઉતારી બળાત્કાર ગુજાર્યાે હતો. ત્યારબાદ જાે આ વાત કોઈને કહીશ તો તારા અઢી વર્ષના દીકરાનું મોત થઈ જશે તેવી ધમકી આપીને ભુવાજીએ પીડિતાને ડરાવી રાખી હતી. ઘટના બાદ પણ ભુવાજીએ અવારનવાર ધમકીઓ આપવાનું ચાલુ રાખ્યું હતું. છેવટે પીડિતાએ આ બાબતે પતિને જાણ કરતાં પતિએ સાથ આપવાને બદલે ઝઘડો કરી તેને પિયર મૂકી દીધી હતી. પિયરમાં માનસિક તણાવમાં રહેતી પુત્રીની આપવિતી સાંભળી માતા-પિતા અને ભાઈએ તેને હિંમત આપી હતી. સમાજમાં બદનામીના ડરને બાજુ પર મૂકી મહિલાએ આખરે ડીસા તાલુકા પોલીસ મથકે પહોંચી આરોપી ભુવાજી અજમલભાઈ સોલંકી સામે ફરિયાદ નોંધાવી છે.


© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution