લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
28, સપ્ટેમ્બર 2026 |
1683
ઓલા, ઉબેર અને રેપિડો જેવી એપ આધારિત કેબ તથા બાઇક ટેક્સી સેવાઓને લઈને અમદાવાદ અને ગાંધીનગર સહિત રાજ્યમાં રિક્ષા અને કેબ ચાલકોમાં છેલ્લા કેટલાક દિવસથી અસંતોષ જાેવા મળી રહ્યો છે. વિવિધ પ્રશ્નોના નિરાકરણની માંગ સાથે સોમવારે મોટી સંખ્યામાં કેબ અને રિક્ષા ચાલકો ગાંધીનગર સ્થિત ટ્રાન્સપોર્ટ કમિશનર કચેરી ખાતે પહોંચ્યા હતા. ચાલકોએ પોતાની વિવિધ માંગણીઓને લઈને કચેરી બહાર ધરણાં યોજી વિરોધ નોંધાવ્યો હતો.કેબ અને રિક્ષા ચાલકો દ્વારા રજૂ કરવામાં આવેલા પ્રશ્નોને લઈને ટ્રાન્સપોર્ટ વિભાગના અધિકારીઓની હાજરીમાં બેઠક યોજાઈ હતી. બેઠકમાં ઓલા, ઉબેર અને રેપિડો સહિતની એપ આધારિત પરિવહન સેવાઓને લગતા મુદ્દાઓ અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. જાેકે, બેઠક બાદ ચાલકોએ પોતાની મુખ્ય માંગણીઓ અંગે સંતોષકારક ર્નિણય લેવામાં આવ્યો ન હોવાનો આક્ષેપ કર્યો હતો. પરિણામે બેઠક બાદ કચેરી બહાર ચાલકોનો વિરોધ યથાવત રહ્યો હતો.
કેબ ચાલકોની મુખ્ય માંગમાં કેબ સર્વિસના ભાડાનું યોગ્ય અને સ્પષ્ટ નિર્ધારણ કરવાનો મુદ્દો સામેલ છે. ચાલકોના જણાવ્યા મુજબ, એપ આધારિત કેબ સેવામાં ભાડા અંગે સ્પષ્ટ વ્યવસ્થા નહીં હોવાને કારણે કેબ ચલાવનારા લોકોને આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. કેબ ચાલકોએ સફેદ નંબર પ્લેટ ધરાવતા વાહનો દ્વારા ટેક્સી સેવા આપવામાં આવતી હોવાના આક્ષેપ સાથે આવા વાહનોને ટેક્સી સેવામાંથી દૂર કરવાની માંગ કરી હતી. ચાલકોનું કહેવું છે કે નિયમોનું પાલન કરીને ટેક્સી સેવા આપતા વાહનચાલકો અને અન્ય વાહનો માટે એકસરખા નિયમો લાગુ થવા જાેઈએ. રિક્ષા અને કેબ ચાલકોની રજૂઆતને પગલે ટ્રાન્સપોર્ટ વિભાગ સાથે બેઠક યોજાઈ હતી. બેઠકમાં વિવિધ મુદ્દાઓ પર ચર્ચા થયા બાદ પણ કોઈ સ્પષ્ટ અને સંતોષકારક ર્નિણય નહીં લેવાયો હોવાનો ચાલકોએ આક્ષેપ કર્યો હતો. ટ્રાન્સપોર્ટ વિભાગ સાથેની બેઠક નિષ્ફળ રહેતા ચાલકોમાં રોષ જાેવા મળ્યો હતો. કેબ અને રિક્ષા ચાલક સંગઠનોએ સ્પષ્ટ કર્યું છે કે તેમની માંગણીઓ અંગે ઝડપથી ર્નિણય લેવામાં નહીં આવે તો આગામી દિવસોમાં વિરોધને વધુ ઉગ્ર બનાવવામાં આવશે.