લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
07, ઓક્ટોબર 2026 |
3069
ફ્રાન્સના સ્ટ્રાસબર્ગ ખાતે આવેલી યુરોપિયન સંસદની ઇમારતમાં યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ૨.૩-કેરેટ સોનાનો ઢોળ ચડાવેલી એક નગ્ન પ્રતિમા પ્રદર્શિત કરવામાં આવતા આંતરરાષ્ટ્રીય રાજકારણમાં ભારે ચર્ચા જાગી છે.
યુરોપિયન સંસદના પરિસરમાં મૂકાયેલી આ અનોખી અને વિવાદાસ્પદ કલાકૃતિએ વિશ્વભરના નેતાઓ અને કલા રસિકોનું ધ્યાન ખેંચ્યું છે. જાણીતા ડેનિશ કલાકાર જેન્સ ગાલ્સચિયોટ દ્વારા તૈયાર કરવામાં આવેલી આ પ્રતિમાનો મુખ્ય ઉદ્દેશ્ય ટ્રમ્પની આબોહવા પરિવર્તન નીતિઓ, પેરિસ કરારમાંથી ખસી જવાનો ર્નિણય અને વૈશ્વિક ઉર્જા મુત્સદ્દીગીરીની આકરી ટીકા કરવાનો છે.પ્રાપ્ત વિગતો અનુસાર, ‘ધ ઓરેન્જ પ્લેગ’ અથવા ‘કિંગ ઓફ અનજસ્ટિસ’ શીર્ષક ધરાવતી આ ૨.૩-કેરેટ સોનાની સોનેરી પ્રતિમામાં ડોનાલ્ડ ટ્રમ્પને સંપૂર્ણપણે નગ્ન અવસ્થામાં દર્શાવવામાં આવ્યા છે. આ શિલ્પમાં ટ્રમ્પના હાથમાં ગોલ્ફ ક્લબ પકડેલી છે અને તેઓ એક સામાન્ય નાગરિકની પીઠ પર ભારે વજન સાથે બેઠેલા નજરે પડે છે.
આર્ટવર્ક સાથે મૂકવામાં આવેલી આરસપહાણની તકતી પર લખવામાં આવ્યું છે કે, “હું એક માણસની પીઠ પર બેઠો છું, તે મારા બોજ નીચે ડૂબી રહ્યો છે...” જે વૈશ્વિક સત્તાના અસંતુલન અને આબોહવા અંગેની નિષ્ક્રિયતા પર સીધો કટાક્ષ કરે છે.