વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે, એટલા માટે લાઠીચાર્જ ન કરી શકાય : SC
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
27, જુલાઈ 2026  |   2475

શાંતિપૂર્ણ અને કાયદેસર પ્રદર્શન બંધારણ દ્વારા સંરક્ષિત અધિકાર છે. ફક્ત આંદોલન થઈ રહ્યું હોય, તો આ કારણ આપીને પોલીસના દમનને યોગ્ય ઠેરવી શકાય નહીં, જંતર-મંતર પર પ્રદર્શનકારીઓ વિરુદ્ધ પોલીસની કાર્યવાહી સાથે જાેડાયેલી અરજીઓ પર સુનાવણી કરતી વખતે સુપ્રીમ કોર્ટે આ ટિપ્પણી કરી છે.

મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતની અધ્યક્ષતાવાળી બેન્ચે કહ્યું કે, જાે પોલીસ તરફથી ક્યાંય પણ અત્યંત બળ પ્રયોગ કરાયો હોય, તો તેની સ્વતંત્ર તપાસ થવી જાેઈએ. આ ફક્ત દિલ્હીનો મામલો નથી, પરંતુ સમગ્ર દેશમાં પ્રદર્શનના ઉકેલ માટે એક સમાન રાષ્ટ્રીય પ્રોટોકોલની જરૂર છે.

કોર્ટે કહ્યું કે, લોકશાહીમાં અનુશાસન આવશ્યક છે અને ફક્ત આંદોલન થવાનો મતલબ એ નથી કે પોલીસ લાઠીચાર્જ શરૂ કરી દે. જાેકે, અદાલતે એ પણ સ્પષ્ટ કર્યું કે પ્રદર્શન દરમિયાન પોલીસકર્મીઓ સહિત દરેક વ્યક્તિનું જીવન અને સુરક્ષા સમાન રીતે મહત્વની છે. સુપ્રીમ કોર્ટે નિર્દેશ આપ્યો કે, આ મુદ્દા સાથે જાેડાયેલી તમામ પેન્ડિંગ અરજીઓને એકસાથે સૂચિબદ્ધ કરવામાં આવે અને કેસની આગામી સુનાવણી આવતી કાલે એટલે કે ૨૮ જુલાઈએ થશે. પરીક્ષા વ્યવસ્થામાં સુધારા, NEET  પેપર લીક મામલે જવાબદારી નક્કી કરવા અને કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગને લઈને કોકરોચ જનતા પાર્ટી ના નેતૃત્વમાં જંતર-મંતર પર ૨૦ જૂને વિદ્યાર્થીઓનો વિરોધ પ્રદર્શન શરૂ થયો હતો. ત્યારબાદ ૨૮ જૂને સોનમ વાંગચુક વિદ્યાર્થીઓના સમર્થનમાં ઉતર્યા અને જંતર-મંતર પર છ કાર્યકર્તાઓ સાથે ભૂખ હડતાળ પર બેસી ગયા. જે પછી CJPના આંદોલને રાષ્ટ્રીય સ્તરે જાેર પકડ્યું હતું. વિરોદ પ્રદર્શને વધુ જાેર પકડતાં, દિલ્હી પોલીસ વાંગચુકને ૧૮ જુલાઈએ જંતર-મંતરથી હટાવીને સફદરજંગ હોસ્પિટલ લઈ ગઈ. જે પછી વિદ્યાર્થીઓ અને યુવાનોનો આક્રોશ વધુ વધી ગયો હતો. આ દરમિયાન ૨૦ જુલાઈએ સંસદ તરફ વધી રહેલા પ્રદર્શનકારીઓ પર પોલીસે કરેલી અત્યંત કડક કાર્યવાહી એક ટર્નિંગ પોઈન્ટ સાબિત થઈ. પોલીસના કથિત બળપ્રયોગ બાદ આ આંદોલને વધુ વેગ પકડ્યો. જે પછી સરકારે માગોને સ્વીકારી અને ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપ્યું હતું.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution