લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
28, સપ્ટેમ્બર 2026 |
1683
ઠાસરા તાલુકા ટીચર્સ મંડળીમાં છેલ્લા કેટલાક મહિનાઓથી બ્લેન્કેટ ખરીદીમાં કૌભાંડ અને કવરની માંગણી જેવા ગંભીર આક્ષેપોને લઈને રાજકારણ ગરમાયું હતું. મંડળીને બદનામ કરનારા પ્રમુખ, મંત્રી અને વિરોધ કરનારા કારોબારી સભ્યો અચાનક એક થઈ જતા અને તમામ મુદ્દાઓને એરણે મૂકીને ભાઈચારો વ્યક્ત કરવા લાગતા સભાસદોમાં ભારે આશ્ચર્ય અને રોષ જાેવા મળ્યો હતો. સભાસદોમાં એવી ચર્ચા જાગી હતી કે સમગ્ર મામલે એકબીજાના ખોળામાં બેસીને ‘કુલડીમાં ગોળ ભાંગવામાં’ આવ્યો છે અને સભાસદોને છેતરવામાં આવ્યા છે.
મંડળીની યોજાયેલી સાધારણ સભામાં અગાઉ રાજીનામાનું નાટક કરનાર પ્રમુખ-મંત્રી તથા રાજીનામું આપનારા અન્ય ૬ કારોબારી સભ્યોને સભાસદોએ બરાબરનો ઝટકો આપ્યો હતો. સભામાં તમામના રાજીનામા એકસાથે મંજૂર કરીને તેમને મંડળીમાંથી તગેડી મુકવાનો મક્કમ ર્નિણય લેવાયો હતો. આ ઉપરાંત, મહત્તમ સભાસદોમાં એવી વિચારધારા સ્પષ્ટપણે જાેવા મળી હતી કે આગામી સમયમાં યોજાનારી ચૂંટણીમાં આ કારોબારી સભ્યો ફરીથી ચૂંટાઈને ન આવે.
સાધારણ સભામાં ચૂંટણી અને નવી કારોબારી અંગે લેવાયેલા મહત્વના ર્નિણયો મુજબ વર્તમાન કારોબારીની મુદત: આગામી ચૂંટણી સુધી હાલની કારોબારી મંડળીની કામગીરી પૂર્ણ કરશે અને જાહેરનામું બહાર પાડી ચૂંટણીની પ્રક્રિયા હાથ ધરશે. જેમાં બીટ મુજબ પસંદગી હાથ ધરાશે અને બીટ મુજબ ૩ સભ્યો ચૂંટી કાઢવામાં આવશે અને તેમાંથી જ નવી કારોબારીની રચના કરવામાં આવશે. જાે બીટમાં બિનહરીફ કે ચૂંટણી: જાે બીટમાં ઉમેદવારો બિનહરીફ ન થાય, તો જ ત્યાં બીટ મુજબ ચૂંટણી યોજીને કારોબારી સભ્યો જાહેર કરાશે. ચૂંટણીનો બિનજરૂરી ખર્ચ ન થાય તે મુજબ આયોજન કરવાનો સભાસદો દ્વારા મહત્વપૂર્ણ ર્નિણય લેવાયો છે.સાધારણ સભા દરમિયાન અગાઉ ગાજેલા બ્લેન્કેટ કૌભાંડ કે કવરની માંગણી જેવા ચર્ચિત મુદ્દાઓ કોઈ પક્ષ કે સભાસદ દ્વારા ઉઠાવવામાં ન આવતાં, આંતરિક સેટિંગ થઈ ગયું હોવાની લાગણી સભાસદોમાં પ્રબળ બની હતી. આથી જ સભાસદોએ સખત વલણ અપનાવીને રાજીનામા મંજૂર કરવાનો આકરો ર્નિણય લીધો હતો.