લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
25, નવેમ્બર 2026 |
2871
ભારતીય ચલણ રૂપિયાએ બુધવારે અમેરિકી ડોલર સામે જબરદસ્ત રિકવરી નોંધાવતા આઠ મહિનાની સર્વોચ્ચ સપાટી હાંસલ કરી છે. દિવસના કારોબાર દરમિયાન રૂપિયો ૫૬ પૈસા મજબૂત થઈને પ્રતિ ડોલર ૯૨.૨૯ ના સ્તર પર પહોંચી ગયો હતો. આ ઐતિહાસિક ઉછાળા સાથે રૂપિયાએ ચાલુ નાણાકીય વર્ષ ૨૦૨૬ ૨૭ દરમિયાન અત્યાર સુધી થયેલું તમામ નુકસાન સરભર કરી લીધું છે. મહિનાઓ સુધી દબાણમાં રહ્યા બાદ સ્થાનિક ચલણમાં આવેલો આ સુધારો અર્થતંત્ર માટે મોટા સકારાત્મક સંકેત સમાન છે.
રૂપિયાની આ તેજીને ભારતીય શેરબજારમાં આવેલા તોફાની ઉછાળાનો પણ પૂરો સાથ મળ્યો છે. મંગળવારે ગુરુનાનક જયંતી નિમિત્તે બજાર બંધ રહ્યા બાદ બુધવારે દલાલ સ્ટ્રીટ પર ચોતરફી ખરીદી જાેવા મળી હતી. સોમવારના બે ટકાના કડાકા બાદ બજારે જાેરદાર વાપસી કરી હતી. બીએસઈ સેન્સેક્સ ૨૦૦૦ પોઈન્ટથી વધુના ઉછાળા સાથે ૮૪૪૬૪.૫૪ની ઈન્ટ્રાડે ટોચે પહોંચ્યો હતો, જ્યારે એનએસઈ નિફ્ટી ૨૫૯૦૦ ની સપાટી કુદાવી ૨૫૯૧૯.૯૦ ના સ્તરને સ્પર્શ્યાે હતો. બેન્કિંગ, ફાઈનાન્સિયલ સર્વિસ અને આઈટી શેરોમાં એચડીએફસી બેંક, આઈસીઆઈસીઆઈ બેંક અને બજાજ ફાઈનાન્સ જેવા દિગ્ગજ શેરોની આગેવાની હેઠળ આવેલી આ તેજીથી બીએસઈ લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ ૩.૮૪ લાખ કરોડ રૂપિયા વધીને આશરે ૫૧૩ લાખ કરોડ રૂપિયા થઈ ગયું છે.
રૂપિયાની આ ઝડપી રિકવરી પાછળ વિદેશી પોર્ટફોલિયો રોકાણકારોની ભારતીય બજારમાં થયેલી વાપસી મુખ્ય કારણ છે. વર્ષની શરૂઆતમાં ભારે વેચવાલી કરનાર વિદેશી રોકાણકારોએ નવેમ્બર મહિનામાં ભારતીય શેરોમાં રેકોર્ડ ૧૪.૨૮ અબજ ડોલરનું રોકાણ ઠાલવ્યું છે.