સોલા સિવિલમાં ૧૪ હજારથી વધુ ઓપીડી નોંધાતા દોડધામ
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
08, જુલાઈ 2026  |   3366

અમદાવાદ શહેરમાં ચોમાસાની શરૂઆત સાથે જ પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળાએ માથું ઊંચક્યું હોય તેવું લાગી રહ્યું છે . સોલા સિવિલ હોસ્પિટલના આંકડા મુજબ, ૧૪ હજાર થી વધુ દર્દીઓ ઓપીડીમાં સારવાર માટે પહોંચ્યા હતા, જે બદલાતી ઋતુમાં સ્વાસ્થ્ય સ્થિતિની ગંભીરતા દર્શાવે છે. ચોમાસાના કારણે ઠેર-ઠેર ભરાતા પાણી અને મચ્છરોના ઉપદ્રવને લીધે સામાન્ય નાગરિકો વાયરલ ઈન્ફેક્શનનો ભોગ બનતા જાેવા મળે છે. વધતા જતા દર્દીઓના આંકડાને જાેતા હોસ્પિટલ તંત્ર દ્વારા પણ તૈયારીઓ તેજ કરવામાં આવી.

સોલા સિવિલ હોસ્પિટલના આસિસ્ટન્ટ આરએમઓ ડો. કિરણ ગૌસ્વામીએ જણાવ્યું હતું કે, હોસ્પિટલમાં હાલમાં ડેન્ગ્યુ અને મલેરિયાના પોઝિટિવ કેસ નોંધાયા, જેના કારણે આરોગ્ય વિભાગ સતર્ક બન્યું. માત્ર આટલું જ નહીં, સ્વાઈન ફ્લૂ અને ટાઈફોઈડ જેવા ગંભીર રોગોના કેસોમાં પણ સતત વધારો જાેવા મળે છે. રોગચાળાનું આ વધતું પ્રમાણ ખાસ કરીને બાળકો અને વૃદ્ધો માટે વધુ ચિંતાનો વિષય બન્યો હતો. વાતાવરણમાં ભેજ અને વરસાદના કારણે રોગના જંતુઓનો ફેલાવો ઝડપથી થઈ રહ્યો છે, જે તબીબી નિષ્ણાતો માટે પણ પડકારરૂપ છે.બદલાતી ઋતુ અને રોગચાળાના આ સમયમાં ડોક્ટરો દ્વારા લોકોને ખાસ તકેદારી રાખવા અનુરોધ કરવામાં આવ્યો. પીવાનું પાણી ઉકાળીને પીવું, આસપાસ પાણી જમા ન થવા દેવું અને તાવ કે શરદી જેવા લક્ષણો દેખાય તો તરત જ નજીકની સરકારી હોસ્પિટલનો સંપર્ક કરવો હિતાવહ છે. સ્વચ્છતાના આગ્રહ સાથે પૌષ્ટિક આહાર લેવો અત્યંત જરૂરી છે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution