લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
27, જુલાઈ 2026 |
2673
૨૮ ફેબ્રુઆરીના રોજ જ્યારે અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધ શરૂ થયું હતું, ત્યારે જ એવું માનવામાં આવતું હતું કે ઈરાનના સહયોગી હુતી વિદ્રોહીઓ પણ તેમાં કૂદી શકે છે. લગભગ પાંચ મહિના પછી, તે જ આશંકા સાચી પડતી દેખાઈ રહી છે.
છેલ્લા એક અઠવાડિયામાં હુતીઓએ સાઉદી અરેબિયા અને રેડ સીમાં જહાજાે પર મિસાઈલ અને ડ્રોન વડે અનેક હુમલા કર્યા છે. જવાબમાં, સાઉદી નેતૃત્વ હેઠળના સૈન્ય ગઠબંધને પણ હુતી ઠેકાણાઓ પર હવાઈ હુમલા શરૂ કર્યા છે.
એટલે કે, લગભગ ચાર વર્ષથી કોઈક રીતે ટાળવામાં આવેલું યમનનું યુદ્ધ ફરી ભડકવાની અણી પર છે. હુતીઓએ સાઉદી અરેબિયા વિરુદ્ધ દરિયાઈ નાકાબંધીની જાહેરાત કરી દીધી છે, જ્યારે બંને તરફથી હુમલા સતત વધી રહ્યા છે. તેનાથી મિડલ ઈસ્ટમાં એક નવું યુદ્ધ શરૂ થવાનો ખતરો વધી ગયો છે.
હુતી અને સાઉદી વચ્ચે તાજેતરનો વિવાદ ૧૩ જુલાઈએ શરૂ થયો. વાસ્તવમાં, કેટલાક હુતી નેતાઓ અલી ખામેનીની અંતિમ યાત્રામાં સામેલ થયા પછી ઈરાનથી યમન પાછા ફરી રહ્યા હતા. પરંતુ યમનની સાઉદી સમર્થિત સરકારે આ પ્લેનને સના એરપોર્ટ પર ઉતરવા દીધું નહીં.
યમન સરકારનું કહેવું હતું કે હુતી અધિકારીઓ યમનની રાષ્ટ્રીય એરલાઇનથી જ પાછા ફરે. તેમને ઈરાનની એરલાઇનમાં આવવા દેવામાં આવશે નહીં. જ્યારે હુતી ઈરાની વિમાનને સીધા સનામાં ઉતારવા પર અડગ રહ્યા. આ પછી, સરકાર સમર્થિત દળોએ સના એરપોર્ટના રનવેને બોમ્બથી ઉડાવી દીધો, જેથી ઈરાની વિમાન ત્યાં ઉતરી ન શકે.
પરિણામે, હુતી નેતાઓનું વિમાન સના એરપોર્ટ પર ઉતરી શક્યું નહીં. વિમાને પોતાનો રસ્તો બદલીને હુદૈદાહ એરપોર્ટ પર લેન્ડિંગ કર્યું, જે હુતીઓના નિયંત્રણમાં છે. આ ઘટના પછી, હુતીઓએ સાઉદી અરબ વિરુદ્ધ દરિયાઈ નાકાબંધીની જાહેરાત કરી દીધી.
ફેબ્રુઆરીમાં જ્યારે અમેરિકા અને ઇઝરાયલે ઈરાન વિરુદ્ધ સૈન્ય અભિયાન શરૂ કર્યું હતું, ત્યારે હુતી વિદ્રોહીઓ સીધા આ લડાઈમાં ઉતરવાથી બચતા જાેવા મળ્યા હતા. પરંતુ અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધવિરામ તૂટ્યા પછી તેમનો દૃષ્ટિકોણ બદલાઈ ગયો.
ઘણા નિષ્ણાતો માને છે કે ઈરાને હુતીઓ પર યુદ્ધમાં સક્રિય ભૂમિકા ભજવવા દબાણ કર્યું. જાેકે તેમનું કહેવું છે કે તેનાથી માત્ર ઈરાનને જ નહીં, પરંતુ હુતીઓને પણ ફાયદો છે. તેઓ આ તકનો ઉપયોગ યમનમાં પોતાની રાજકીય પકડ અને તાકાત વધારવા માટે કરવા માંગે છે.
૨૦૨૨માં થયેલા યુદ્ધવિરામ બાદ યમનમાં હુતી વિદ્રોહીઓ અને સાઉદી અરબ વચ્ચેની લડાઈ લગભગ અટકી ગઈ હતી. જાેકે, તેનો અર્થ એ નહોતો કે બંને પક્ષો વચ્ચેનો વિવાદ સમાપ્ત થઈ ગયો હતો.
સંયુક્ત રાષ્ટ્રની મધ્યસ્થીમાં કાયમી શાંતિ કરાર પર વાતચીત પણ શરૂ થઈ, પરંતુ કોઈ પરિણામ આવ્યું નહીં. તણાવ યથાવત રહ્યો, પરંતુ બંને પક્ષો મોટા યુદ્ધથી બચવાનો પ્રયાસ કરતા રહ્યા.