મુબંઇ-

જાહેર ક્ષેત્રની ત્રણ નાણાકીય સંસ્થાઓ એસબીઆઈ, એલઆઈસી અને બેંક ઓફ બરોડાને 10-10 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. શેરબજારનું નિયમન કરતી સંસ્થા સેબી દ્વારા આ દંડ લાદવામાં આવ્યો છે.

હકીકતમાં સેબીએ પોતાની તપાસમાં જણાયું હતું કે એસબીઆઈ, એલઆઈસી અને બેન્ક ઓફ બરોડા અનુક્રમે એસબીઆઈ મ્યુચ્યુઅલ ફંડ, એલઆઈસી મ્યુચ્યુઅલ ફંડ અને બરોડા મ્યુચ્યુઅલ ફંડના સ્પોન્સર છે. આ મ્યુચ્યુઅલ ફંડમાં તેમનો 10-10 ટકાથી વધુ હિસ્સો છે. 

આ ઉપરાંત એલઆઈસી, એસબીઆઈ અને બીઓબી પણ યુટીઆઈ એએમસીના સ્પોન્સર છે. તેઓ એસેટ મેનેજમેન્ટ કંપની (એએમસી) અને યુટીઆઈ એમએફની ટ્રસ્ટી કંપનીમાં 10-10 ટકાથી વધુ હિસ્સો ધરાવે છે. સેબીએ જણાવ્યું હતું કે તે મ્યુચ્યુઅલ ફંડના નિયમોને અનુરૂપ નથી.

 સેબીના જણાવ્યા અનુસાર, એસબીઆઈ, એલઆઈસી અને બેંક ઓફ બરોડાએ માર્ચ, 2019 સુધી આ જરૂરિયાત પૂરી કરી ન હતી. જોકે, આ એકમોએ જણાવ્યું હતું કે યુટીઆઈ એએમસીમાં તેના હિસ્સાના વેચાણ માટે આઈપીઓની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે અને યુટીઆઈ ટ્રસ્ટી કંપનીમાં હિસ્સો વેચવાની પ્રક્રિયા અંતિમ હેઠળ છે. આ એકમોએ કહ્યું છે કે, યુટીઆઈ એએમસીનો આઈપીઓ સપ્ટેમ્બરના અંત સુધીમાં પૂર્ણ થઈ જશે.

 દરમિયાન જીપી ગર્ગે સેબીમાં એક્ઝિક્યુટિવ ડિરેક્ટરનું કામ સંભાળ્યું છે. સેબીએ એક નિવેદનમાં આ જાણકારી આપી છે. જાન્યુઆરી 1994માં સેબીમાં જોડાયા બાદ જીપી ગર્ગે કેટલીક મહત્વની જવાબદારી સંભાળી છે. ગર્ગે એન્જિનિયરિંગ, લો અને મેનેજમેન્ટનો અભ્યાસ કર્યો છે.