લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
07, ઓક્ટોબર 2026 |
1584
સરથાણાનાં શાયોના પ્લાઝામાં સ્પા ઓથે ચાલતા સેક્સ રેકેટનો પર્દાફાશ થયો છે. પોલીસે સ્પા સંચાલકને પકડી દેહવિક્રય માટે રખાયેલી ચાર બંગાળી લલનાઓને મુક્ત કરાવી હતી. એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટનાં હેડ કોન્સ્ટેબલ જીતુદાન કેશુભાઇને બાતમી મળી હતી કે, સરથાણા શાયોના પ્લાઝા ત્રીજા માળે કાર્યરત યુનિક સ્પામાં સ્પા/મસાજ પાર્લરની આડમાં દેહ વ્યાપારની ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલી રહી છે. ખાગની રાહેત તપાસ બાદ આ યુનીક સ્પા માં દરોડો પાડવામાં આવ્યો હતો. જેમાં રિશેપ્સન ટેબલ પરથી ફરીદ આલમ ઇસાક આલમ (રહે, અલમાકમ સોસાયટી, ચૌટાપુલ પાસે લાલગેટ, સુરત) મળી આવ્યો હતો. પશ્ચિમ બંગાળનાં દિનાદપુર જિલ્લાના વતની એવા ફરીદની પ્રાથમિક પૂછપરછમાં એવું બહાર આવ્યું હતું કે, આ સ્પા મૂળ મનિષા ઉર્ફે મુક્તિની માલિકીનો હતો. આ સ્પા ચલાવતી હતી ત્યારે ફરીદ ૧૮ હજાર માસિક પગારે નોકરી કરતો હતો. મનિષા અહીં લલનાઓ રાખી દેહવિક્રય કરાવતી હતી. ત્યારબાદ ઓગસ્ટ ૨૦૨૬માં મનીષા પાસે આ સ્પા ફરીદે રોજના ૩૫૦૦ રૂપિયે ભાડાથી રાખી લીધું હતું. ફરીદે પણ અહીં બંગાળી લલનાઓ રાખી તેમના દેહના સોદા કરવા માંડ્યા હતાં. ત્યારબાદ પોલીસે અંદર બનાવાયેલા રૂમ ચેક કર્યા હતાં. જેમાં શરીર સુખ માટે રખાયેલી શિરીનશીલા આરસબ મોંડલ, મીનાતી મોંગલરાજો રોય, નિશા વીરેન્દ્રપ્રસાદ પાસવાન અને માધવી જોન્ટુ ચૌધરી એમ ચાર યુવતીઓ મળી આવી હતી. આ ચારેય યુવતીઓએ પોલીસને એવું જણાવ્યું હતું કે, સ્પાનાં માલિક તથા સંચાલક ફરીદે તેમને અહીં દેહ વ્યાપાર માટે બોલાવી હતી. સ્પામાં આવનાર ગ્રાહકો પાસે મસાજના નામે ૧,૦૦૦ રૂપિયા લેવાતાં હતાં.બાદમાં તેમને શરીર સુખ માટે લલનાઓ પાસે મોકલી વધુ પૈસા માગવામાં આવતા. શરીર આપનારી આ લલનાઓને ગ્રાહક દીઠ ૫૦૦ રૂપિયા ચૂકવાતા હતાં. જ્યારે બાકીના ફરીદ લઇ લેતો હતો. પોલીસે સ્પા ઓથે સેક્સ રેકેટ ચલાવનાર ફરીદ આલમ તથા મનીષા ઉર્ફે મુક્તિ સામે ગુનો નોંધી કાર્યવાહી કરી હતી.