લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
28, સપ્ટેમ્બર 2026 |
1584
સુરત ઉપરાંત દેશભરમાંથી ૨૩૫૦૦ જેટલા ટેક્સટાઇલ મશીનરી ખરીદવાની ઇચ્છા ધરાવતા જેન્યુઇન કહેવાતા ખરીદારો આજે સંપન્ન થયેલા ચેમ્બર ઓફ કોમર્સનાં ટેક્સ્ટાઇલ મશીનરીનાં એક્ષ્પો સિટેક્ષની મુલાકાત લઇ ચૂક્યા છે. એક્ઝિબિટર્સને મળેલી ઇન્કવાયરીઓ, લીડ્ઝ તેમજ અન્ય વાટાઘાટો પરથી ચેમ્બર ઓફ કોમર્સનાં આગેવાનો એવો અંદાજ લગાવી રહ્યા છે કે સિટેક્ષ એક્ષ્પોને પગલે રૂ.૧૬૦૦ કરોડથી વધુ કિંમત ધરાવતી નવી ટેક્સ્ટાઇલ મશીનરીઓ આગામી સમયમાં સુરતના કારખાનાઓમાં ખડકાશે.
સિટેક્ષ એક્ષ્પોના સમાપન પ્રસંગે ચેમ્બર ઓફ કોમર્સનાં પ્રેસિડેન્ટ અશોક જીરાવાલાએ જણાવ્યું કે એક્સ્પોમાં પ્રથમ દિવસે ૪,૫૦૦ બાયર્સ, બીજા દિવસે ૧૨,૦૦૦ બાયર્સ અને સોમવારે ત્રીજા તથા અંતિમ દિવસે ૭,૦૦૦ વિઝિટર્સ નોંધાયા હતા. આમ, ૩ દિવસ દરમિયાન કુલ ૨૩,૫૦૦ મુલાકાતીઓએ પ્રદર્શનની મુલાકાત લીધી હતી. લેટેસ્ટ ટેક્નોલોજીની અદ્યતન મશીનરીઓ તેમજ એન્સિલરી પ્રોડક્ટ્સ માટે જે જેન્યુઇન વ્યાપારી ઇન્ક્વાયરીઝ જનરેટ થઈ છે તેના વિશ્લેષણ મુજબ, આગામી ૬ મહિનામાં ટેક્સ્ટાઈલ મશીનરી સેક્ટરમાં આશરે રૂ.૧૬૮૦ કરોડથી વધુના કેપિટલ ઇન્વેસ્ટમેન્ટની પ્રબળ શક્યતા છે. પ્રદર્શનમાં ભારતમાં નિર્મિત અત્યાધુનિક મશીનરી ઉપરાંત વૈશ્વિક સ્તરની ટેક્નોલોજી રજૂ કરાઈ હોવાથી રોકાણકારોમાં ભારે ઉત્સાહ જાેવા મળ્યો છે.
આ ૩ દિવસ દરમિયાન દેશના ખૂણે-ખૂણેથી ટેક્સ્ટાઈલ અગ્રણીઓએ હાજરી આપી હતી. જેમાં અમદાવાદ, મુંબઈ, પૂણે, કોલ્હાપુર, ઇચલકરંજી, નાશિક, માલેગાંવ, ઔરંગાબાદ, સોલાપુર, ભીલવાડા, ઇન્દોર, વારાણસી, ઇટાવા, ગાઝિયાબાદ, નવી દિલ્હી, અંબાલા, બિકાનેર, જાેધપુર, ડુંગરપુર, પ્રતાપગઢ, બક્ષદ, કોલકાતા, સિલચર, બક્સર, બેંગલુરૂ, હૈદરાબાદ, ચેન્નાઈ, કોઈમ્બતુર, તિરુપુર, ઇરોડ તેમજ ગુજરાતના સુરેન્દ્રનગર, સિદ્ધપુર, ભાવનગર, પાટણ, અમરેલી, ભુજ અને વીરપુર સહિતના સેન્ટરોમાંથી આવેલા પ્રતિનિધિઓએ મશીનરી અપગ્રેડેશન માટે સક્રિય રસ દાખવ્યો હતો.