લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
20, જુલાઈ 2026 |
7227
ન્યુ જર્સીના પ્રખ્યાત મેટલાઇફ સ્ટેડિયમમાં રમાયેલા ફિફા વર્લ્ડ કપ ૨૦૨૬ ના હાઈ-વોલ્ટેજ ફાઇનલ મુકાબલામાં સ્પેને શાનદાર પ્રદર્શન કરતા ગત ચેમ્પિયન આર્જેન્ટિનાને ૧-૦થી હરાવીને ફૂટબોલ જગત પર પોતાનો કબજાે જમાવ્યો છે. આ જીત સાથે સ્પેને ૧૬ વર્ષ લાંબો વર્લ્ડ કપનો દુકાળ ખતમ કર્યાે છે. અગાઉ સ્પેનિશ ટીમ ૨૦૧૦માં ચેમ્પિયન બની હતી. બીજી તરફ, લિયોનેલ મેસીની આગેવાની હેઠળની આર્જેન્ટિનાની ટીમ પોતાનું ટાઈટલ ડિફેન્ડ કરવામાં નિષ્ફળ રહી હતી અને સતત બે વાર વર્લ્ડ કપ જીતવાનો ઇટાલી અને બ્રાઝિલનો ઐતિહાસિક રેકોર્ડ બરાબરી ચૂકી ગઈ હતી. જેના બાદ મેદાનમાં મેસી રડતો દેખાયો હતો. ફાઇનલ મેચમાં બંને ટીમો વચ્ચે કાંટાની ટક્કર જાેવા મળી હતી. નિર્ધારિત ૯૦ મિનિટના સમય સુધી બંનેમાંથી એકપણ ટીમ ગોલ કરી શકી નહોતી અને સ્કોર ૦-૦ ની બરાબરી પર રહ્યો હતો. આથી મેચ એક્સ્ટ્રા ટાઈમમાં પ્રવેશી હતી. મેચની ૧૦૬મી મિનિટે સ્પેન માટે સબસ્ટિટ્યૂટ ખેલાડી તરીકે આવેલા ફેરાન ટોરેસે નિકો વિલિયમ્સના શાનદાર પાસ પર ગોલ ફટકારીને સ્પેનને ૧-૦ની નિર્ણાયક લીડ અપાવી હતી, જે અંત સુધી જળવાઈ રહી હતી અને ટોરેસ જીતનો અસલી હીરો બન્યો હતો.