લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
20, ઓગ્સ્ટ 2026 |
1881
નરોડામાં એક ચોંકાવનારી અને ફિલ્મી ઢબે તસ્કરીની ઘટના સામે આવી છે. નરોડા જીઆઈડીસી પોસ્ટ ઓફિસમાં ફરજ બજાવતા પોસ્ટમેન પોતાની બીટમાં ટપાલ વહેંચવા નીકળ્યા હતા ત્યારે તરસ લાગતા પાન પાર્લર પર પાણી પીવા ઊભા રહ્યા હતા. આ તકનો લાભ ઉઠાવી સફેદ એક્ટિવા પર આવેલા બે શખ્સો મોટરસાઇકલ પર મૂકેલો ટપાલ ભરેલો ઓફિસ થેલો ચોરીને રફૂચક્કર થઈ ગયા હતા. ચોરાયેલી બેગમાં બે મહત્ત્વપૂર્ણ પાસપોર્ટ સહિત અનેક અગત્યના દસ્તાવેજાે અને ઓર્ડિનરી ટપાલો હોવાનું જાણવા મળ્યું છે. આ અંગે નરોડા પોલીસ મથકે ગુનો નોંધાતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. નોબલનગર વિસ્તારમાં આવેલી આવાસ પાર્ક સોસાયટીમાં રહેતા અને છેલ્લા દસ વર્ષથી નરોડા પોસ્ટ ઓફિસમાં બીટ નંબર-૨૦માં પોસ્ટમેન તરીકે નોકરી કરતા ભરતકુમાર કરમજીભાઈ ઘોઘરા (ઉં.વ. ૪૨) બુધવારે સવારે રાબેતા મુજબ સવારે ૮ વાગ્યે નોકરી પર આવ્યા હતા. ત્યારબાદ તેઓ પોતાના સરકારી કામકાજ અર્થે લેધરના થેલામાં ટપાલો ભરીને પોતાની સ્પ્લેન્ડર મોટરસાઇકલ લઈને હરિ દર્શન ચાર રસ્તાથી નિકોલ મેન્ગો સિનેમા વિસ્તારમાં વહેંચણી માટે નીકળ્યા હતા. બપોરના આશરે ૧:૩૦ વાગ્યાના સુમારે ટપાલ વહેંચીને પરત ફરતી વખતે નરોડા એમ.એસ. સ્કૂલની સામે સ્વામિનારાયણ પાર્ક સોસાયટી નજીક પહોંચતા તેઓને તરસ લાગી હતી. આથી તેમણે પોતાની મોટરસાઇકલ રસ્તા સાઇડમાં પાર્ક કરી, ટપાલનો થેલો બાઇક પર મૂકી નજીકમાં આવેલા ‘વૈશાલી પાન પાર્લર’ પર પાણી પીવા ગયા હતા. પાણી પીને તુરંત જ પરત ફરતી વખતે ભરતકુમારે જાેયું તો એક સફેદ કલરની એક્ટિવા પર આશરે ૨૫થી ૩૦ વર્ષની વયના બે શખ્સો આવ્યા હતા. આ શખ્સે ક્ષણભરમાં જ મોટરસાઇકલ પર મૂકેલો ટપાલ ભરેલો થેલો ઉપાડી લીધો હતો અને બંને તસ્કરો પૂરઝડપે એક્ટિવા હંકારી સધી માતાના મંદિર તરફ ભાગી છૂટ્યા હતા.