કાળા કપડાં અને પ્લેકાર્ડ સાથે વિદ્યાર્થીઓનો વિરોધ
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
01, ઓક્ટોબર 2026  |   1881

અમદાવાદની નિરમા યુનિવર્સિટીમાં ગર્લ્સ હોસ્ટેલ સામે બનેલી કથિત અશોભનીય ઘટનાને લઈને વિદ્યાર્થીઓમાં નારાજગી જાેવા મળી રહી છે. વિદ્યાર્થીઓના જણાવ્યા મુજબ, ગર્લ્સ હોસ્ટેલની સામે બની રહેલા નવા બિલ્ડિંગમાં કામ કરતા એક શ્રમિક દ્વારા વિદ્યાર્થિનીઓ સામે અશોભનીય વર્તન કરવામાં આવ્યું હોવાની ફરિયાદ કરવામાં આવી હતી. આ મામલે યોગ્ય કાર્યવાહી ન થઈ હોવાનો આક્ષેપ કરતાં વિદ્યાર્થીઓએ આજે ૧ ઓક્ટોબરે ‘બ્લેક ડે’ તરીકે વિરોધ નોંધાવ્યો. મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ કાળા કપડાં પહેરીને કેમ્પસમાં પહોંચ્યા હતા અને હાથમાં પ્લેકાર્ડ લઈને પોતાની નારાજગી વ્યક્ત કરી હતી. વિદ્યાર્થીઓનો દાવો છે કે યુનિવર્સિટી કેમ્પસમાં સીધો વિરોધ કરવો મુશ્કેલ લાગતાં સોશિયલ મીડિયા મારફતે અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. ઈન્સ્ટાગ્રામ સહિતના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વિદ્યાર્થીઓને એકત્ર થવા અને ૧ ઓક્ટોબરે કાળા કપડાં પહેરીને વિરોધ નોંધાવવા અપીલ કરવામાં આવી હતી. આ અપીલ બાદ આજે વિદ્યાર્થીઓએ કેમ્પસમાં એકઠા થઈને ઘટનાની નિંદા કરી હતી. વિરોધ દરમિયાન વિદ્યાર્થીઓ પ્લેકાર્ડ સાથે જાેવા મળ્યા હતા. વિદ્યાર્થીઓના જણાવ્યા પ્રમાણે, ગર્લ્સ હોસ્ટેલના એચ-૪ બ્લોકમાં રહેતી વિદ્યાર્થિનીઓની સામે નવા બની રહેલા એચ-૫ બ્લોકમાં કામ કરતા શ્રમિકના કથિત અશોભનીય વર્તન અંગે ફરિયાદ કરવામાં આવી હતી.વિદ્યાર્થિનીઓએ ઘટનાનો વીડિયો પણ યુનિવર્સિટી સમક્ષ રજૂ કર્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓના આક્ષેપ મુજબ, ફરિયાદ બાદ પણ સંતોષકારક કાર્યવાહી કરવામાં આવી નથી. આ ઉપરાંત, એક ગાર્ડ દ્વારા વિદ્યાર્થિનીઓના કપડાં અંગે ટિપ્પણી કરવામાં આવી હોવાનો પણ વિદ્યાર્થીઓ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. સમગ્ર મામલે યુનિવર્સિટી તરફથી સત્તાવાર રીતે શું કાર્યવાહી કરવામાં આવી છે તે અંગે સ્પષ્ટતા આવવાની બાકી છે.વિદ્યાર્થીઓના જણાવ્યા મુજબ, ઘટનાની ફરિયાદ બાદ ગર્લ્સ હોસ્ટેલની બાજુમાં લીલા રંગની નેટ લગાવવામાં આવી હતી. વિદ્યાર્થીઓનો સવાલ છે કે માત્ર નેટ લગાવવાને બદલે ફરિયાદમાં ઉલ્લેખિત વર્તન અંગે જવાબદારી નક્કી કરવા અને યોગ્ય કાર્યવાહી કરવાની જરૂર છે. આજે વિદ્યાર્થીઓએ કાળા કપડાં પહેરીને કેમ્પસમાં વિરોધ નોંધાવ્યો હતો. પ્લેકાર્ડ સાથે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ એકઠા થયા હતા. વિદ્યાર્થીઓનું કહેવું છે કે આ વિરોધનો હેતુ ઘટનાની નિંદા કરવો અને યુનિવર્સિટી તંત્ર સમક્ષ તેમની ફરિયાદને ગંભીરતાથી લેવા માટે રજૂઆત કરવાનો છે.હાલ સમગ્ર મામલે યુનિવર્સિટી પ્રશાસન તરફથી સત્તાવાર નિવેદન અને કથિત ઘટનાની તપાસ અંગેની વિગતો સામે આવવાની બાકી છે. ફરિયાદમાં કરાયેલા આક્ષેપોની સ્વતંત્ર પુષ્ટિ પણ ઉપલબ્ધ નથી.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution