લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
24, ઓગ્સ્ટ 2026 |
2475
મહારાષ્ટ્રમાં શિક્ષણ ક્ષેત્રે કથળતી જતી પરિસ્થિતિ અને સતત બંધ થઈ રહેલી મરાઠી માધ્યમની પ્રાથમિક શાળાઓ અંગે સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ પ્રસન્ના બી. વરાલેએ અત્યંત ગંભીર અને આંખ ઉઘાડનારી ચિંતા વ્યક્ત કરી છે. મહારાષ્ટ્રના ધુળે જિલ્લામાં આયોજિત એક હાઇસ્કૂલના કાર્યક્રમમાં સંબોધન કરતા તેમણે સરકારના આયોજનો અને બજેટ ફાળવણીની પ્રાથમિકતાઓ પર સોય ઝાટકીને સવાલો ઉઠાવ્યા હતા. તેમણે કડક શબ્દોમાં ટિપ્પણી કરી હતી કે જાે સરકારે ધાર્મિક ઉત્સવો કે મોટા કન્સ્ટ્રક્શન પ્રોજેક્ટ્સ પાછળ ખર્ચાતા જંગી ભંડોળમાંથી નાનો અમથો હિસ્સો પણ શિક્ષણ પાછળ વાપર્યો હોત, તો સેંકડો ગરીબ બાળકોનું ભવિષ્ય રોળાવું બચી ગયું હોત. સરકારના અબજાે રૂપિયાના ખર્ચનો ચીઠ્ઠો ખોલતા જસ્ટિસ વરાલેએ જણાવ્યું હતું કે, એક તરફ નાસિક-ત્ર્યંબકેશ્વર સિંહસ્થ કુંભ મેળા માટે ૩૨,૦૦૦ થી ૩૪,૦૦૦ કરોડ અને વિવિધ કોરિડોર પ્રોજેક્ટ્સ માટે ૧૧,૦૦૦ કરોડની માતબર રકમ ફાળવવામાં આવે છે. જાે આ જંગી બજેટના માત્ર ૦.૦૧% હિસ્સો પણ (આશરે ૩૨ કરોડ) શિક્ષણ ક્ષેત્રને આપ્યો હોત, તો મહારાષ્ટ્રમાં ભંડોળના અભાવે તાળાં લાગી ગયેલી ૧૦૦ થી ૧૨૫ શાળાઓને નવજીવન આપી શકાયું હોત.