ઈ-ચલણ નહીં ભરનારા વાહનો જપ્ત કરવા સુપ્રીમ કોર્ટનો રાજ્યોને આદેશ 
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
01, ઓક્ટોબર 2026  |   2970

દેશભરમાં ટ્રાફિક નિયમોનો ભંગ કરનારા સામે સુપ્રીમ કોર્ટે અત્યંત કડક વલણ અપનાવ્યું છે. સુપ્રીમ કોર્ટે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને આદેશ આપ્યો છે કે, ટ્રાફિક પોલીસ અચાનક ગમે ત્યાં તપાસ હાથ ધરે અને જે વાહનોના ઈ-ચલણ લાંબા સમયથી બાકી હોય તેવા વાહનોને તાત્કાલિક જપ્ત કરે. જસ્ટિસ જે.બી. પારડીવાલા અને જસ્ટિસ કે.વી. વિશ્વનાથનની બેન્ચે આ કડક નિર્દેશ આપ્યા છે. કોર્ટના ધ્યાને આવ્યું કે સમગ્ર દેશમાં ૨૩,૦૦૦ કરોડ રૂપિયા કરતાં વધુ રકમનો ટ્રાફિક દંડ વસૂલવાનો બાકી છે. કોર્ટમાં રજૂ કરાયેલા સત્તાવાર આંકડા મુજબ, દેશભરમાં કુલ ૪૯,૧૯૪.૦૫ કરોડ રૂપિયાના ઈ-ચલણ જારી કરવામાં આવ્યા હતા, જેમાંથી વાહનચાલકોએ માત્ર ૨૬,૧૭૫.૦૫ કરોડ રૂપિયા જ ચૂકવ્યા છે, જ્યારે હજુ પણ ૨૩,૦૧૯ કરોડ રૂપિયાનો દંડ બાકી બોલે છે.દંડ ન ભરનારા વાહનમાલિકો સામે સકંજાે કસવા માટે સુપ્રીમ કોર્ટે કેન્દ્રીય પરિવહન પોર્ટલ પરની સંબંધિત ડિજિટલ સેવાઓ તાત્કાલિક સ્થગિત કરવાનો આદેશ આપ્યો છે. જ્યાં સુધી જૂનો બાકી દંડ પૂરેપૂરો ભરપાઈ ન થાય ત્યાં સુધી સંબંધિત વાહનની નોંધણી પ્રમાણપત્ર (ઇઝ્ર) રિન્યૂ કરવા, ડુપ્લિકેટ દસ્તાવેજાે મેળવવા કે રહેઠાણનું સરનામું બદલવા જેવી સેવાઓ પર સંપૂર્ણપણે રોક લગાવી દેવામાં આવશે.કોર્ટે પરિવહન વિભાગોને સ્પષ્ટ નિર્દેશ આપ્યો છે કે નિયમભંગ કરનારા અને દંડ ન ભરનારા વાહનોને ફિટનેસ પ્રમાણપત્ર તેમજ પ્રદૂષણ નિયંત્રણ પ્રમાણપત્ર એટલે કે પીયુસી બિલકુલ આપવામાં ન આવે. આવા વાહનોને પરિવહન પોર્ટલ પર કાળી યાદીમાં મૂકી દેવામાં આવશે જેથી કોઈ પણ વ્યક્તિ તે વાહન વેચી કે માલિકી હક બદલી શકશે નહીં. આ ઉપરાંત, જે ચાલકો વારંવાર ટ્રાફિક નિયમોનો ભંગ કરતા પકડાશે તેમના ડ્રાઈવિંગ લાયસન્સ તાત્કાલિક સસ્પેન્ડ કરી દેવામાં આવશે. નિયમોના અમલીકરણમાં રહેલી ખામીઓ દર્શાવતા બેન્ચે નોંધ્યું કે અદાલતો મારફતે દંડ વસૂલવાની પરંપરાગત પદ્ધતિ હવે બિનઅસરકારક સાબિત થઈ રહી છે, કારણ કે બાકી કેસોનો ભરાવો ખૂબ મોટો થઈ ગયો છે. જ્યાં સુધી જમીની સ્તર પર કડક વસૂલાત વ્યવસ્થા ઊભી ન થાય ત્યાં સુધી લાખોની સંખ્યામાં આપમેળે જારી થતા ઈ-ચલણનો કોઈ ડર કે અસર રહેતી નથી.

ન્યાયાધીશોએ તમામ રાજ્ય પ્રશાસનોને કડક ચેતવણી આપી છે કે જાે અદાલતના આ નિર્દેશો માત્ર કાગળ પર જ રહેશે, તો આદેશનું પાલન ન કરનારા સત્તાવાળાઓ સામે કોર્ટ આકરી કાર્યવાહી હાથ ધરશે. આ નિર્દેશ વર્ષ ૨૦૧૨થી માર્ગ સુરક્ષા સંદર્ભે સુપ્રીમ કોર્ટ સમક્ષ ચાલી રહેલી એસ. રાજશેખરન વિરુદ્ધ ભારત સરકારની જાહેર હિતની અરજી અંતર્ગત આપવામાં આવ્યા છે.સુપ્રીમ કોર્ટે તમામ રાજ્યો, કેન્દ્રશાસિત પ્રદેશો અને ભારતીય રાષ્ટ્રીય રાજમાર્ગ પ્રાધિકરણને હાલની ઈલેક્ટ્રોનિક તપાસ વ્યવસ્થામાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ એટલે કે કૃત્રિમ બુદ્ધિમત્તા જાેડવાનો આદેશ કર્યો છે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution