ભાવનગરથી ઝેરી દારૂ પી સુરત આવેલો યુવક ત્રણ દિવસની સારવાર બાદ બ્રેઇનડેડ જાહેર
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
21, ઓગ્સ્ટ 2026  |   3366

સમગ્ર રાજ્યમાં ભારે ચકચાર મચાવનાર ભાવનગરના લઠ્ઠાકાંડમાં સુરતનાં યુવકને બ્રેઇનડેડ જાહેર કરાયો છે. પાર્ટીમાં દારૂ પી સુરત આવેલા સંજયસિંહની તબિયત લથડતાં ખટોદરા કેનાલ રોડ પર આવેલી આઇએનએસ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. અહીં ત્રણ દિવસની સારવાર બાદ શુક્રવારે સંજયસિંહને બ્રેઈનડેડ જાહેર કરવામાં આવ્યો છે. મળતી માહિતી અનુસાર ભાવનગરનાં ઘોઘા નજીક આવેલા ખરકડી ગામે ૧૬ ઓગસ્ટમી ઓગસ્ટની રાત્રે પાર્ટી યોજાઇ હતી. પોલીસ કોન્સ્ટેબલ તરીકે નિમણૂક પામ્યાની ખુશીમાં ઉપેન્દ્રસિંહ ગોહિલ તથા તેમના મિત્રો દ્વારા મહેફિલનું આયોજન કરાયું હતું. આ મહેફિલમાં રોયલ સ્ટેગ વ્હીસ્કી પીવાઇ હતી. રોયલ સ્ટેગ વ્હીસ્કી નકલી, ઝેરી તત્વોથી બનાવાયેલી હોય તેનું સેવન કરનારાઓની તબિયત લથડવા માંડી હતી. ૧૮મી તારીખે પાર્ટી આપનાર ઉપેન્દ્રસિંહનું મોત નીપજતાં આખો મામલો પ્રકાશમાં આવ્યો હતો.

ઉચ્ચસ્તરીય બેઠકો બાદ સ્ટેટ મોનિટરિંગ સેલ મેદાને આવી પરંતુ એ પહેલા ઝેરી દારૂ પીવાથી ૫૦થી વધુની તબિયત લથડી ચૂકી હતી અને ૮ લોકોનાં મોત થઈ ચૂક્યા હતાં. આ પાર્ટીમાં સુરતમાં રહેતાં સંજયસિંહ લક્ષ્મસિંહ ડોડીયાએ પણ ઝેરી દારૂ પીધો હતો. ૧૬ તારીખે રાત્રે ભાવનગરમાં દારૂ પીને ૧૭ તારીખે સવારે સુરત આવેલા સંજયસિંહની તબિયત એકાએક લથડી હતી. શરૂઆતમાં તેમને વરાછાની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા, જ્યાં રિપોર્ટ દરમિયાન તેમને સીરિયસ હાર્ટએટેક આવી જતાં હૃદય બંધ પડી ગયું હતું. તબીબોએ સીપીઆર આપીને હૃદય ધબકતું કર્યું હતું, પરંતુ ત્યારબાદથી તે સતત બેભાન અવસ્થામાં સરી પડ્યો હતો.

તબીબી તપાસમાં સામે આવ્યું હતું કે સંજયસિંહનાં મગજ સુધી પૂરતો ઓક્સિજન પહોંચી રહ્યો નહોતો. વધુમાં, નશાની તપાસ માટે કરાવેલા ખાસ રિપોર્ટમાં ઇથેનોલ અને મીથેનોલ પોઇઝનિંગની ગંભીર ઝેરી અસર હોવાનું સ્પષ્ટ થયું હતું. ઝેરી દારૂ પીધાનાં માત્ર ૮થી ૧૦ કલાકમાં જ ઝેર આખા શરીરમાં ફેલાઈ જતાં તેની ન્યુરોલોજીકલ સ્થિતિ કથળી ગઈ હતી, જેથી તેને તાત્કાલિક સુરતની જાણીતી ન્યુરો હોસ્પિટલ આઇએનએસમાં શિફ્ટ કરાયા હતા.

આઇએનએસ હોસ્પિટલનાં ન્યુરો એક્સપર્ટ દ્વારા સઘન સારવાર આપવા છતાં મગજ નિષ્ક્રિય થઈ જતાં આજે તેને આખરે બ્રેઇન ડેડ ઘોષિત કરાયો હતો. સંજયસિંહને તેના પરિવારની મંજુરી લઈ લાઇફ સપોર્ટ સીસ્ટમ હટાવી સત્તાવાર મૃત ઘોષિત કરાશે એવું જાણવા મળે છે. સંજયસિંહનાં મોતથી પરિવારજનોમાં ભારે આક્રંદ અને શોકનો માહોલ છવાઈ ગયો છે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution