19, ઓગ્સ્ટ 2025
મુંબઈ |
2574 |
2 ખેલાડીઓના નામને લઈને ખેંચતાણ, સૂર્યકુમાર કેપ્ટન બને તેવી શક્યતા
યુનાઈટેડ અરબ અમીરાતમાં સપ્ટેમ્બરમાં શરૂ થનારા એશિયા કપ 2025 માટે આજે ભારતીય ક્રિકેટ ટીમની જાહેરાત કરાશે. આ વખતે ટીમમાં મોટા ફેરફારો જોવા મળી શકે છે. રોહિત શર્મા અને વિરાટ કોહલીના ટી20માંથી નિવૃત્તિ પછી આ ભારતની પહેલી મોટી ટુર્નામેન્ટ છે. સૂર્યકુમાર યાદવ કેપ્ટન બને તેવી શક્યતા છે, સર્જરી પછી તે ફિટનેસ ટેસ્ટ પાસ થયાના અહેવાલ મળી રહ્યાં છે. ઉપરાંત ટીમમાં સંજુ સેમસન અને અભિષેક શર્માનું સ્થાન નિશ્ચિત માનવામાં આવી રહ્યું છે, તેથી શુભમન ગિલના નામ અંગે ચર્ચા ચાલી રહી છે. યશસ્વી જયસ્વાલ અને મોહમ્મદ સિરાજના નામ પર પણ વિચારણા કરવામાં આવી રહી છે, આવી સ્થિતિમાં 2-3 ખેલાડીઓ એવા છે જેમના પર ખેંચતાણ ચાલી રહી છે.
મંગળવારે મુંબઈમાં રાષ્ટ્રીય પસંદગી સમિતિની બેઠક મળશે, જેમાં એશિયા કપ માટે ભારતીય ટીમની પસંદગી કરવામાં આવશે. ટીમની પસંદગી કર્યા પછી, મુખ્ય પસંદગીકાર અજિત અગરકર સાથે પ્રેસ કોન્ફરન્સ કરશે. તે બપોરે લગભગ 1:30 વાગ્યે શરૂ થશે. એશિયા કપ ઉપરાંત, આજે મહિલા વર્લ્ડ કપ અને ઓસ્ટ્રેલિયા સામેની 3 મેચની સીરિઝ માટે પણ મહિલા ટીમની પસંદગી કરવામાં આવશે.
ઈગ્લેન્ડ પ્રવાસ પર 5 ટેસ્ટ મેચની શ્રેણીમાં શાનદાર બોલિંગ કરનાર મોહમ્મદ સિરાજની એશિયા કપમાં પસંદગી થવી મુશ્કેલ માનવામાં આવે છે. જસપ્રીત બુમરાહે એશિયા કપમાં રમવાની ઈચ્છા વ્યક્ત કરી હતી, ત્યારબાદ ટીમમાં તેમની પસંદગી નિશ્ચિત છે. ટીમમાં મહત્તમ 3 ઝડપી બોલરોની પસંદગી થવાની સંભાવના છે, જેમાં બુમરાહની સાથે અર્શદીપ સિંહ અને પ્રસિધ કૃષ્ણાના નામ સૌથી આગળ છે. રિઝર્વ ખેલાડીઓમાં હર્ષિત રાણાનો સમાવેશ થઈ શકે છે.