વોશિંગ્ટન-

કોરોના વાયરસનો ડેલ્ટા વેરિયન્ટ હવે અમેરિકામાં કહેર મચાવી રહ્યો છે. અમેરિકામાં કોરોના સંક્રમણના ૫૧.૭ ટકાથી વધુ કેસો પાછળ ડેલ્ટા વેરિયન્ટ જવાબદાર છે. રોગ નિયંત્રણ અને નિવારણ કેન્દ્રો દ્વારા જાહેર કરાયેલા નવા આંકડામાં આ જાણકારી આપવામાં આવી છે. આ વેરિયન્ટ અંગે ભારતમાં પહેલી વાર ડિસેમ્બરમાં જાણવા મળ્યું હતું. આ વેરિયન્ટ હવે દુનિયાભરમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે.

અમેરિકાના કેટલાક ભાગોમાં ડેલ્ટા વેરિયન્ટ સંક્રમણના ૮૦ ટકાથી વધુ નવા કેસ માટે જવાબદાર છે. સીડીસીના અનુમાનો અનુસાર યુટા અને કોલોરાડો સહિત પશ્ચિમી રાજ્યોમાં સંક્રમણના ૭૪.૩ ટકા કેસ અને ટેક્સાસ, લુઇસિયાના, અર્કાસસ અને ઓક્લાહોમા જેવા દક્ષિણી રાજ્યોમાં સંક્રમણના ૫૮.૮ ટકા કેસ માટે આ ડેલ્ટા વેરિયન્ટ જવાબદાર છે. અમેરિકાના રાષ્ટ્રીય એલર્જી અને સંક્રમણ રોગ સંસ્થાના નિર્દેશક ડૉ. એન્થની ફાઉચીએ મંગળવારે જણાવ્યું કે, રસીકરણ કેમ જરૂરી છે. તેમણે કહ્યું કે, જે લોકોએ રસી લીધી નથી, તેમને આ વેરિયન્ટથી સંક્રમિત થવાનો બહુ ખતરો છે. તેમણે કહ્યું કે, આ વેરિયન્ટ માત્ર વધુ ચેપી જ નહીં, પરંતુ વધુ ગંભીર બીમારીનું કારણ પણ બની શકે છે.