સારોલી, કુંભારિયા ગામ અને પુણા કુંભારિયા રોડ પર ખાડીનાં પાણી ફરી વળ્યાં
06, જુલાઈ 2025 1683   |  

સુરત, સુરત શહેરમાં ખાડીપૂરનું સંકટ ટાળવા માટે બનાવવામાં આવેલી હાઇપાવર કમિટીએ હજુ તો પોતાનું કામ શરૂ કર્યું નથી ત્યાં મેઘરાજાએ પોતાનો પરચો બતાવતાં પુણા-કુંભારિયા રોડ, કુંભારિયા ગામ, સારોલી સહિતનાં વિસ્તારોમાં ખાડીપૂરનાં પાણી ફરી એકવાર ફરી વળતાં લોકો સંકટમાં મૂકાઇ ગયાં હતાં. સુરત સહિત સમગ્ર જિલ્લામાં પડેલા ભારે વરસાદને કારણે ફરી એકવાર ખાડીની સપાટીઓમાં વધારો થવા પામ્યો છે. જેના કારણે સુરત શહેરમાં માત્ર ૧૫ જ દિવસમાં બીજી વાર ખાડી પૂર આવી જતાં અસરગ્રસ્તોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી.આર.પાટિલની અધ્યક્ષતામાં મળેલી બેઠકને હજુ માંડ ૨૪ કલાક પણ પૂરા ન થયા ત્યાં જ સુરત શહેરમાં સારોલી વિસ્તારમાં તથા પુણા કુંભારિયા મેઇન રોડ પર ખાડીના પાણી ફરી વળ્યા છે. આ ઉપરાંત હજુ પણ વરસાદ ચાલુ હોવાથી આગામી સમયમાં પરિસ્થિતિ વધુ ગંભીર બને તેવા સંકેત પણ દેખાઈ રહ્યા છે. સુરત શહેરમાં જ્યાં ખાડી પસાર નથી થતી તેવા વિસ્તારોમાં માત્ર બે થી ત્રણ ઇંચ વરસાદમાં જ રસ્તા ઉપર પાણી ભરાઈ જતા વાહન વ્યવહાર ખોવાઈ ગયો હતો. જેથી સુરત મહાનગરપાલિકાની કામગીરી સામે પણ સવાલો ઉઠી રહ્યા છે. સુરત શહેરમાં ૧૫ દિવસ પહેલા પડેલા ભારે વરસાદને પગલે પાલિકાની પ્રમોશન કામગીરી સામે અનેક સવાલો ઉઠ્યા હતા. સુરત શહેરમાં ભારે વરસાદ બાદ સુરત શહેરનાં મેયર તથા મ્યુનિસિપલ કમિશનરે પોતાનો લૂલો બચાવ કરતા જણાવ્યું હતું કે માત્ર ગણતરીનાં કલાકોમાં ૧૦ ઇંચ વરસાદ પડ્યો હોવાને કારણે શહેરમાં ઠેર ઠેર પાણી ભરાવાની પરિસ્થિતિ સર્જાય છે પરંતુ મેયર દક્ષેશ માવાણી અને મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલનાં બચાવને ફરી એકવાર વરસાદે પોકળ સાબિત કર્યો છે. સુરત શહેર અને જિલ્લામાં છેલ્લા ૧૮ કલાકમાં પાંચથી છ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. સુરત શહેરમાં સવારે માત્ર બેથી ત્રણ ઇંચ વરસાદમાં જ સુરત મહાનગર પાલિકાની સ્ટોર્મ ડ્રેનેજ લાઈનો ચોકઅપ થઈ ગઈ હતી. જેના કારણે શહેરમાં અનેક રસ્તાઓ પર ઘૂંટણ સુધી પાણી ભરાઈ ગયા હતા. પાલિકાની કામગરી સામે લોકોમાં રોષ જોવા મળ્યો હતો અને પાલિકાની પ્રીમોન્સુન કામગીરી સામે પણ સવાલો ઉઠી રહ્યા છે. સુરત શહેર અને જિલ્લામાં પડેલા ભારે વરસાદ બાદ માત્ર ૨૪ કલાકની અંદર જ તમામ ખાડીઓની સપાટીમાં એકથી દોઢ મીટરનો વધારો થયો છે. જેના કારણે સુરત શહેરમાં ફરી એકવાર ખાડીપૂરની પરિસ્થિતિ સર્જાવા પામી છે. સુરત શહેરમાંથી ખાડીપૂરનાં પાણી ઉતર્યા એને હજુ માત્ર માંડ ૧૦ દિવસ થયા છે અને લોકોને કળ વળી નથી ત્યાં જ ફરી એકવાર ખાડીપુરનાં પાણી સારોલી તથા કુંભારિયા ગામ અને પુણા કુંભારિયા મેઈનરોડ પર ફરી મળતા અસરગ્રસ્તોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. સુરત જિલ્લામાં પલસાણા તાલુકામાં છેલ્લા માત્ર ૧૮ કલાકમાં ૯ ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. જેને કારણે આ તમામ પાણી ખાડીમાં આવતાની સાથે જ ખાડીની સપાટીમાં વધારો થતા સ્થાનિક લોકોમાં ભયનો માહોલ ઉભો થવા પામ્યો છે. રવિવારે બપોરે ૨:૦૦ વાગ્યા બાદ સુરત શહેરમાં સારોલી, કુંભારિયા ગામ અને પુણા કુંભારિયા મેઈન રોડ પર ખાડીના પાણી ભરાવાના ચાલુ થઈ ગયા હતા. જોકે સાંજ સુધીમાં આ તમામ જગ્યાઓ પર દોઢ ફૂટ જેટલું પાણી ભરાઈ જતા લોકોની હાલત કફોડી થવા પામી છે. આ ઉપરાંત અઠવા ઝોન વિસ્તારમાં આઝાદનગર અને રસુલાબાદમાં પણ ખાડીનાં પાણી બહાર આવી ગયા છે જેના કારણે ત્યાં પણ પાલિકાની ટીમ ગોઠવી દેવામાં આવી છે. ખાડીપુરને ધ્યાનમાં લઇ એક તરફ હજુ કમિટીનું ગઠન કરવામાં આવ્યું છે ત્યાં જ આજે ફરી એકવાર સુરત શહેરમાં ખાડી પૂર આવી જતા લોકોનો આક્રોશ ચરમસીમાએ પહોંચ્યો છે. લિંબાયત ઝોન વિસ્તારમાં મઝદા પાર્ક, કમરૂનગર, નુરાનીનગર, આઝાદ ચોક, રાવનગર, વામ્બે આવાસમાં ખાડીના પાણી ફરી વળ્યાં હતાં.

બાયોડાયવસિર્ટી પાર્કનો રોડ બંધ કરી દેવાયો: બેરિકેડ મુકાયાં

સુરત મહાનગર પાલિકા દ્વારા રૂપિયા ૧૪૩ કરોડનાં ખર્ચે બાયોડાયવસિર્ટી પાર્ક બનાવવામાં આવ્યો છે. જોકે આ બાયોડાયર્વસિટી પાર્કની બાજુમાંથી કાકરાખાડી પસાર થતી હોવાના કારણે ખાડીની સપાટીમાં વધારો થયા બાદ બાયોડાયવસિર્ટી પાર્કની આજુબાજુમાં રોડ પર ખાડીનાં પાણી ફરી વળે છે. કાકરાખડીની સપાટી ૫.૯૦ મીટરે પહોંચી જતા અઠવા ઝોનમાં આઝાદનગર અને રસુલાબાદમાં ખાડીના પાણી ભરવાની શરૂઆત થઇ ગઈ છે. આ સાથે જ બાયોડાયવસિર્ટી પાર્કનાં રોડ પર પણ ખાડીનાં પાણી ફરી વળતા પાલિકા દ્વારા લોકોની સલામતી માટે બાયોડાયવસિર્ટી પાર્કનો રસ્તો બંને તરફથી બંધ કરી બેરિકેડિંગ કરી દેવામાં આવ્યા છે. લોકોના વાહનોની અવરજવર માટે બાયોડાયવર્સિટી પાર્કની બંને તરફ આવેલા બ્રિજાે ખુલ્લા રાખવામાં આવ્યા છે.

તાપી જિલ્લા ઉચ્છલ તાલુકાના માણેકપુર ગામમાં બે તણાયા

પ્રાપ્ત માહિતી અનુસાર ઉચ્છલ તાલુકાના માણેકપુર ગામમાં રહેતાં સુરેશભાઈ સામજીભાઈ વળવી કે જેમની ઉંમર આશરે ૫૫ વર્ષ જેઓ કોતરદા ની પેલે કાંઠે ખેતર હોવાથી તેઓ પીવાનું પાણી લેવા માટે ગામમાં પોતાના ઘરે લેવા નીકળ્યા હતા. જેથી તેઓ ચેક ડેમમાં પાણીનું વહેણ અચાનક વધી જતાં તેઓ જેવા ચેક ડેમમાં ઉતરીયા કે તેઓને પાણીનું વહેણથી લપસી પડ્યા તેથી તેમને બચાવવા માટે રતિલાલ રાવજીભાઈ વસાવા કે જેમની ઉંમર આશરે ૪૦ વર્ષનાએ મદદ માટે તેઓ પણ પાણીના વહેણમાં ઉતરી પડ્યા પરંતુ સુરેશભાઈને તો બચાવી ન શક્યા પણ પોતાનો પણ જીવ ગુમાવ્યાનો વારો આવ્યો હતો. આ ઘટનાં સવારે ૮ કલાકે બનવા પામ્યો હતો. ભારે જહેમત બાદ સ્થાનિક તરવયાઓએ રતિલાલભાઈને ૯ :૧૫ ની આસપાસ શોધી કાઢ્યો હતો. પરંતુ જે પહેલાં પાણીના વહેણમાં તણાયા હતા તે સુરેશભાઈ અત્યાર સુધી મળ્યા નથી. હાલ સોનગઢ ફાયર બ્રિગેડની ટીમ અને વ્યારા પોલીસ સ્ટેશનનો કાફલો ઘટનાસ્થળે દોડી સ્થાનિક પોલીસ સાથે સોધખોડ ચાલું છે. અને રતિલાલભાઇનું સબ ઉચ્છલ આરોગ્ય કેન્દ્રમાં ઁસ્ માટે લઈ જવામાં આવ્યા છે.

કલેક્ટરનાં અધ્યક્ષ પદે સુરત ખાડીપુર નિવારણ ખાસ સમિતિની રચના કરાઈ

સુરત શહેર અને જિલ્લાની ખાંડી પુરની સમસ્યાને નિવારવા માટે ટૂંકા અને લાંબા ગાળાના ઉપાયો મેળવવા જિલ્લા કલેકટરની અધ્યક્ષ સ્થાને સુરત ખાડીપુર નિવારણ ખાસ સમિતીની રચના કરવામાં આવી છે. આ સમિતિમાં મનપા સહિત અલગઅલગ વિભાગોના કુલ ૧૯ સભ્યોને સમાવવામાં આવ્યા છે. આ સમિતિ દ્વારા ખાડીપૂર નિવારવા સંપૂર્ણ અભ્યાસ હાથ ધરી ખાડી પુર સમસ્યાના નિવારણ માટેના ઉપાયો લાગુ કરશે અને તેનો વખતોવખતના અહેવાલ તૈયાર કરશે. શહેર અને જિલ્લાની ખાંડી પુરની સમસ્યાને નિવારવા માટે ગઈકાલે સકિર્ટ હાઉસ સાથે પહેલીવાર સી. આર. પાટીલના અધ્યક્ષ સ્થાને બેઠક મળી હતી, જે બેઠકમાં ખાંડી પુરની સમસ્યાને નિવારવા માટે ટૂંકા અને લાંબા ગાળાના ઉપાયો મેળવવા જિલ્લા કલેકટરની અધ્યક્ષ સ્થાને હાઇપાવર કમિટી બનાવવાનો ર્નિણય લેવાયો હતો, જે ર્નિણય આધારે જિલ્લા કલેકટરની અધ્યક્ષ સ્થાને સુરત ખાડી પૂર નિવારણ ખાસ સમિતીની રચના કરવામાં આવી છે. આ સમિતિમાં અધ્યક્ષ સ્થાને જિલ્લા કલેકટર રહેશે, જ્યારે સમિતિમાં અન્ય વિવિધ વિભાગોના ૧૮ સભ્યોને સમાવવામાં આવ્યા છે. આ સમિતિ દ્વારા ખાડીપૂર નિવારવા સંપૂર્ણ અભ્યાસ હાથ ધરી ખાડી પુર સમસ્યાના નિવારણ માટેના ઉપાયો લાગુ કરશે અને તેના વખતોવખતના અહેવાલ તૈયાર કરશે.


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution