લેબગ્રોન ડાયમંડ ઉદ્યોગની આખી ઇકોસીસ્ટમ ભારતનાં કબજામાં હોવી જોઇએ : અમિત શાહ
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
13, સપ્ટેમ્બર 2026  |   2673

લેબગ્રોન ડાયમંડના ક્ષેત્રમાં ભારત માટે હવે માત્ર ઉત્પાદન અને કટીંગ-પોલિશિંગ પૂરતું નહીં, પરંતુ સમગ્ર વૈશ્વિક ઇકોસિસ્ટમ પર કબજો જમાવવાનો સમય આવી ગયો છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રવિવારે મુંબઇમાં યોજાયેલા ૫૨માં ઇન્ડિયા જેમ એન્ડ જ્વેલરી એવોર્ડ્સનાં સમારોહમાં લેબગ્રોન ડાયમંડ ઉદ્યોગને લઇને આ દિશામાં હીરા ઉદ્યોગકારોને સ્પષ્ટ હાકલ કરી હતી. આ સમારોહનું આયોજન જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ દ્વારા બીકેસી, ભારત ડાયમંડ બુર્સ ખાતે કરવામાં આવ્યું હતું. અમિત શાહે જણાવ્યું હતું કે લેબગ્રોન ડાયમંડનો યુગ આવી રહ્યો છે અને તેની બજારની સાઇઝ ક્વોન્ટીટીનાં દૃષ્ટિકોણથી નેચરલ ડાયમંડની સરખામણીમાં લગભગ ૫૦ ગણી વધી શકે છે. તેથી માત્ર હાલનાં ભાવને જોઇને લેબગ્રોન ડાયમંડના વેપારનું મૂલ્યાંકન કરવાને બદલે ભવિષ્યનાં વોલ્યુમ અને સ્કેલને ધ્યાનમાં રાખવાની જરૂર છે.

ખાસ કરીને સુરત માટે ગૃહમંત્રીનું આ નિવેદન મહત્વનું છે. છેલ્લા કેટલાક વર્ષોમાં સુરત વિશ્વનાં સૌથી મોટા લેબગ્રોન ડાયમંડ કટિંગ-પોલિશિંગ અને મેન્યુફેક્ચરિંગ કેન્દ્રોમાંનું એક બની ગયું છે. સુરતમાં વિકસેલી કટિંગ-પોલિશિંગની કુશળતા, મેન્યુફેક્ચરિંગ ક્ષમતા અને હીરા વેપારનું વૈશ્વિક નેટવર્ક હવે લેબગ્રોન ડાયમંડની નવી ઇકોસીસ્ટમ ઊભી કરવા માટેનો આધાર બની શકે છે.

અમિત શાહે કહ્યું હતું કે ભારતમાં લેબગ્રોન ડાયમંડ માટે જરૂરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર, કટિંગ-પોલિશિંગની કુશળતા, મૂડી અને ઉદ્યોગસાહસિકો ઉપલબ્ધ છે. હવે જરૂર સમગ્ર વેલ્યુ ચેઇનને ભારતમાં જ વિકસાવવાની છે. લેબગ્રોન ડાયમંડનું ઉત્પાદન, તેના માટેની મશીનરીનું ઉત્પાદન, કટિંગ-પોલિશિંગ, ઝવેરાતનું ઉત્પાદન, માર્કેટિંગથી લઇને વૈશ્વિક બ્રાન્ડ ઊભી કરવા સુધીની સંપૂર્ણ ચેઇન ભારતીય ઉદ્યોગકારોના નિયંત્રણમાં હોવી જોઇએ, તેવો તેમણે આગ્રહ કર્યો હતો. સુરતનાં ન્ય્ડ્ઢ ઉદ્યોગ માટે સંદેશ સ્પષ્ટ છે: વર્તમાન ભાવની મંદી કરતાં ભવિષ્યનાં વિશાળ વોલ્યુમને જોવાનું છે. હવે ઉત્પાદનથી આગળ વધીને મશીનરી, ટેક્નોલોજી, બ્રાન્ડ, ઝવેરાત અને વૈશ્વિક માર્કેટિંગ સુધીની સંપૂર્ણ ઇકોસિસ્ટમ ઊભી કરવી એ સુરતનાં લેબગ્રોન ડાયમંડ ઉદ્યોગ માટે આગામી મોટો પડકાર બની શકે છે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution