મુંબઇ 

હિંદી અને સાઉથ સિનેમાના જાણીતા ગાયક એસ પી બાલા સુબ્રહ્મણ્યમ ૨૫ સપ્ટેમ્બરના રોજ અવસાન પામ્યા હતા. તેમના નિધનથી બોલીવૂડ તેમજ સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીને મોટી ખોટ રડી ગઇ છે. સિનેમામાં તેમના યોગદાનને જોઇને આંધ્ર પ્રદેશની સરકારે તેમને વિશેષ સમ્માન આપવાનો નિર્ણય લીધો છે.

એસ પી બાલાસુબ્રહ્મમણ્યે પોતાની કારકિર્દીમાં ઘણા કર્ણપ્રિય ગીતો ગાયા છે. સિનેમામાં તેમના યોગદાનની કદરરૂપે આંધ્ર પ્રદેશની સરકારે એક શાળાનું નામ તેમના નામ પર રાખવાનો ફેંસલો કર્યો છે. જેની જાણકારી આંધ્ર પ્રદેશ સરકારના ઉદ્યોગ, વાણિજ્ય અને સૂચના પ્રોધ્યોગિકી મંત્રીએ સોશિયલ મીડિયા દ્વારા આપી છે.

મંત્રી મેકપાટી ગૌતમ રેડ્ડીએ પોતાના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ પર લખ્યું છે કે, નેલ્લોરમાં ગવર્મેન્ટ સ્કૂલ ઓફ મ્યુઝિક એન્ડ ડાન્સનું નામ બદલીને સ્વર્ગસ્થ ગાયક એસ પી બાલાસુબ્રમણ્યમના નામ પર રાખવામાં આવ્યું છે. રેડ્ડીએ પોતાના ટ્વીટમાં ટાંક્યું હતું કે, અમારી સરકારે નિર્ણય લીધો છે કે નેલ્લોરની ગવર્મેન્ટ સ્કુલ ઓફ મ્યુઝિક એન્ડ ડાન્સનું નામ બદલીને ડો. એસ પી બાલાસુબ્રહ્મણ્યમ ગવર્મેન્ટ સ્કૂલ ઓફ મ્યુઝિક એન્ડ ડાન્સ રાખવામાં આવે.

ઉલ્લેખનીય છે કે, ગાયકને રાજકી સમ્માન સાથે અંતિમ વિદાઇ આપવામાં આવી હતી. તેમને તમિલનાડુ પોલીસની ૨૪ બંદૂકોની સલાની વચ્ચે તેમના ફાર્મ હાઉસ પરઅંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.