આવાસો ભાડે આપનાર માલિકોનાં મકાન પાલિકા દ્વારા પરત લઇ લેવાશે
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
22, ઓગ્સ્ટ 2026  |   1782

પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત સુરત મહાનગર પાલિકા દ્વારા શહેરમાં બનાવવામાં આવેલા આવાસો જરૂરિયાત મંદ લોકોને ડ્રો સીસ્ટમ દ્વારા ફાળવવામાં આવ્યા છે પરંતુ આવાસનાં માલિકોએ તેમને પોતાની કાયમી આવકનું સાધન બનાવી ભાડે આપી દીધા છે. ‘લોકસત્તા જનસત્તા’ દ્વારા પ્રકાશિત કરવામાં આવેલા અહેવાલ બાદ પાલિકા તંત્ર સફાળું જાગ્યું હતું અને સમગ્ર શહેરમાં આવાસોમાં તપાસના આદેશ આપ્યા હતા. જાે કે પાલિકાની તપાસમાં મોટો ઘટસ્ફોટ થયો હતો અને મોટાભાગનાં આવાસો ભાડે આપવામાં આવેલા હોવાનું પણ સામે આવ્યું છે. પાલિકા દ્વારા અનેક ભાડુતો અને રંગે હાથ પકડવામાં આવ્યા છે તો કેટલાક કિસ્સાઓમાં ભાડુતો ચેકિંગ આવે તે પહેલા જ પલાઈન થઈ ગયા છે. જાેકે આગામી દિવસોમાં હવે ચેકીંગ દરમિયાન જ્યાં પણ ભાડુતો પકડાયા છે તે આવાસના માલિકો પાસેથી આવાસ પાલિકા દ્વારા પરત લઈ લેવામાં આવશે.

સુરત મહાનગર પાલિકા દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત સુરત શહેરમાં હજારો આવાસ બનાવવામાં આવ્યા છે. લકી ડ્રો સીસ્ટમ દ્વારા પાલિકા દ્વારા જરૂરિયાત મંદ લોકોને આ આવાસની ફાળવણી કરવામાં આવી છે પરંતુ નવાઈની વાત તો એ છે કે આ આવાસનાં માલિકોએ પોતાને રહેવા માટે મળેલા ઘરને આવકનું સાધન બનાવી દીધું છે અને પોતાના આવાસ ને ભાડે ફેરવી રહ્યા છે. જહાંગીરપુરા વિસ્તારમાં આવેલ વંદન આવાસમાં ૧૦૦૦ કરતાં પણ વધારે ભાડું તો રહેતા હોવાની અહેવાલ ‘લોકસત્તા જનસત્તા’ દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યો હતો. જાેકે આ અહેવાલને પગલે તાત્કાલિક ધોરણે પાલિકા દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા હતા. પાલિકાની તપાસમાં પ્રથમ દિવસે જ મોટો ચોકાવનારા આંકડાઓ સામે આવ્યા હતા. જેમાં અલગ અલગ સુમન આવાસોમાં ૨૫૦ થી વધારે ભાડુતો રંગેહાથ પકડાઈ ગયા હતા. જ્યારે ૧૫૦૦થી વધારે ભાડુતો ચેકિંગ આવે તે પહેલા જ ઘર છોડી પલાયન થઈ ગયા છે. જાે કે આ આંકડા માત્ર રાંદેર ઝોન વિસ્તારનાં છે પરંતુ પાલિકા દ્વારા સુરતના તમામ કુલ ૯ ઝોનમાં તપાસનાં આદેશ આપવામાં આવ્યા છે. જેથી આગામી દિવસોમાં વધુ ચોકાવનારી માહિતીઓ સામે આવે તેવી શક્યતાઓ છે. જાેકે હવે પાલિકા દ્વારા આ તમામ ભાડે આવાસો આપનાર માલિકો સામે લાલ આંખ કરી છે. જે પણ આવાસનાં માલિકો દ્વારા પોતાના આવાસ ભાડે આપવામાં આવ્યા છે તેઓ પાસેથી આવાસ પરત લઈ લેવા સુધીની કાર્યવાહી કરવાની તજવીજ પાલિકા દ્વારા હાથ ધરવામાં આવી છે જેના કારણે આવાસના માલિકોમાં ફફડાટ ફેલાઈ ગયો છે.


© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution