ખાડી વિસ્તારમાં થયેલાં દબાણો પણ ખાડીપૂર માટે જવાબદાર: હાઇલેવલ કમિટીનો પ્રાથમિક અભિપ્રાય
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
20, ઓગ્સ્ટ 2026  |   2079

સુરત શહેરનાં મોટાભાગનાં વિસ્તારોને દર વર્ષે ધમરોળી નાંખતાં ખાડીપૂર માટે જવાબદાર પરિબળો શોધવામાં સ્થાનિક સરકારી અધિકારીઓ નિષ્ફળ નીવડ્યાં છે ત્યારે કેન્દ્ર સરકારની હાઇલેવલ કમિટીનાં સભ્યોએ માત્ર એક દિવસની મુલાકાતમાં જ ખાડી વિસ્તારમાં થયેલાં દબાણો અને ખાડીઓમાં થયેલાં કાંપનાં પુરાણને કારણે ખાડીપૂર આવતું હોવાનું પ્રાથમિક તારણ આપ્યું હતું. ખાડીપૂર અંગે ગેરકાયદે ધમધમતાં ઝીંગાતળાવો જવાબદાર હોવાનું મનપાનાં અધિકારીઓએ જણાવતાં સિંચાઇવિભાગનાં અધિકારીઓ સમસમી ઉઠ્યાં હતાં અને તે બાબતે કામગીરી થઇ હોવાનું કહ્યું હતું પરંતુ મનપાનાં અધિકારીઓએ સ્પષ્ટ શબ્દોમાં સુણાવી દીધું કે, સેટેલાઇટ ઇમેજથી જાેઇ લો, મીંઢોળા નદીનાં મુખ પાસે ખજાેદ, આભવા વિસ્તારમાં મોટી સંખ્યામાં ઝીંગાતળાવોનું અસ્તિત્વ જેમનું તેમ જ છે જેને કારણે ખાડી સાંકડી બની ગઇ છે જેથી પાણીની વહનક્ષમતા ઓછી થઇ ગઇ છે. જાે ઝીંગાતળાવો તૂટે તો પણ ઘણો ફર્ક પડે. કેન્દ્રની ટીમ સામે જ મહાનગર પાલિકા તેમજ સિંચાઇ વિભાગનાં અધિકારીઓ વચ્ચે ઝીંગાતળાવ મુદ્દે તડાફડી થઇ ગઇ હતી.

આમ તો સુરત શહેરમાં છેલ્લા ચારેક વર્ષથી સતત ખાડીપૂરની સમસ્યા વકરી હોવાથી લોકો અને વેપારીઓને કરોડો રૂપિયાનું નુક્સાન થઇ રહ્યું છે તેમાં પણ પ્રવર્તમાન વર્ષે તો ત્રણ-ત્રણ વખત ખાડીપૂર આવતાં લોકો તબાહ થઇ ગયાં છે. ખાડીપૂર પણ માનવસર્જિત સમસ્યા હોવાનું જાણી ગયેલાં સુરતનાં લોકોએ કોર્પોરેટરો તેમજ ધારાસભ્યોને લબડધક્કે લેતાં તેમનો અવાજ માત્ર રાજ્ય સરકાર જ નહીં પરંતુ કેન્દ્ર સરકાર સુધી પહોંચ્યો હતો. સરકારે નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીનાં નેજા હેઠળ એક હાઇલેવલ કમિટી બનાવી ખાડીપૂર કેમ દર વર્ષે આવે છે તેનું ઇન્વેસ્ટિગેશન કરવા માટે આ હાઇલેવલ કમિટીને આદેશ આપ્યો છે. નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીનાં મુકુલ મોહન, સેન્ટ્રલ વોટર કમિશનનાં સુપરિન્ટેન્ડિંગ એન્જિનિયર યોકી વિજય, આઇ.એમ.ડી.નાં સાયન્ટિસ્ટ ડો.અશોક કુમાર દાસ, એન.ડી.આર.એફ.નાં

સેકન્ડ ઇન કમાન્ડ વિકાશ સિંઘ અને સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી, ગુજરાતનાં એડિશનલ ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર ધવલ પંડ્યાની ટીમે આજે લિંબાયત, મીઠીખાડી આસપાસનો વિસ્તાર, પાંડેસરા, ઉધના સહિતનાં વિસ્તારની રૂબરૂ મુલાકાત લીધી હતી.

સેન્ટ્રલ વોટર કમિશનનાં સુપરિન્ટેન્ડિંગ એન્જિનિયર યોકી વિજયે લોકસત્તા-જનસત્તા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, મીઠીખાડી સહિતનાં અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઇ બારીકાઇભર્યું નિરિક્ષણ કર્યું છે. ખાડીની આસપાસનાં વિસ્તારોમાં થયેલાં દબાણો પણ ખાડીપૂર માટે જવાબદાર ગણી શકાય આ ઉપરાંત ખાડીની પાણી વહનક્ષમતા વધારવાની જરૂર છે જે માટે ખાડીઓમાં જમા થયેલા કાપ-માટીને ઉલેચવા પડે. પાંડેસરાની ભેદવાડ ખાડી કિનારે આવેલી પ્રેમનગર ઝૂંપડપટ્ટી, આર્વિભાવ સોસાયટી, સુરત-નવસારી મેઈન રોડ પર આવેલ પ્રમુખ પાર્ક, પરવત ખાડી બ્રિજ નજીકના વામ્બે આવાસ, મિડલ રિંગ રોડની ઋષિવિહાર સોસાયટી તેમજ સણિયા હેમાદ વિસ્તારની મુલાકાત લઈ ટીમે સ્થાનિક પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું.


© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution