નેશનલ હાઈવે પરથી બાઇક પર લઈ જવાતો પ્રતિબંધિત દવાઓનો જથ્થો ઝડપાયો:બે શખ્સની અટકાયત કરાઇ
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
22, ઓગ્સ્ટ 2026  |   1485

આણંદ જિલ્લામાં ખોરાક અને ઔષધ નિયમન તંત્ર અને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા સંયુક્ત રીતે હાથ ધરવામાં આવેલી એક મોટી કાર્યવાહીમાં ગેરકાયદેસર ગર્ભપાતની દવાઓ અને નશાકારક પદાર્થોના મોટા જથ્થા સાથે બે શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા છે. આણંદ નેશનલ હાઈવે પર અમદાવાદથી વડોદરા તરફ જઈ રહેલા મોટરસાયકલ નંબર ય્ત્ન-૦૧-ઠડ્ઢ-૮૦૮૭ને અટકાવીને તપાસ કરવામાં આવતા આ પ્રતિબંધિત દવાઓ મળી આવી હતી. પોલીસ અને ઔષધ વિભાગના સંયુક્ત ઓપરેશન દરમિયાન દર્શનભાઈ ગોકલાણી અને દિલીપભાઈ એમ. ઠાકોર નામના બે આરોપીઓની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તપાસ દરમિયાન કુલ ૧૮૦૦ નંગ અલ્પ્રાઝોલમ જેવી નશાકારક ટેબ્લેટ્સ મળી આવતા તેને જપ્ત કરવામાં આવી છે, જે એન.ડી.પી.એસ. એક્ટ હેઠળ પ્રતિબંધિત છે. આ ઉપરાંત ગેરકાયદેસર રીતે રાખવામાં આવેલી ૪૦ નંગ ‘ક્લીન-કીટ’ અને ૨૦ નંગ પ્રેગ્નન્સી ટેસ્ટ કીટ્સ પણ કબજે કરવામાં આવી છે. આ સમગ્ર કાર્યવાહી આણંદના ઔષધ નિરીક્ષક પી. એમ. મકવાણાની પ્રત્યક્ષ ઉપસ્થિતિમાં હાથ ધરવામાં આવી હતી, જેમણે સ્થળ પર પહોંચીને દવાઓની સઘન ચકાસણી કરી હતી.ઉલ્લેખનિય છે કે, આ પકડાયેલા આરોપીઓ પૈકી દિલીપ ઠાકોર પાસે આ દવાઓનો સંગ્રહ કે વેચાણ કરવા માટેનું કોઈ પણ કાયદેસરનું લાઇસન્સ કે માન્ય ખરીદ બિલ મળી આવ્યું નથી. આ ગેરકાયદેસર જથ્થો અમદાવાદના વિશાલ ઠક્કર પાસેથી મેળવ્યો હોવાનું આરોપીઓએ કબૂલ્યું છે. વડોદરાના ખોરાક અને ઔષધ નિયમન તંત્રના મદદનીશ કમિશનર ડૉ. એ. એચ. ઝાલાના સુપરવિઝન હેઠળ આ કેસની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. હાલમાં જપ્ત કરાયેલી ગર્ભપાતની કીટ્સના નમૂનાઓ લઈને તેના પૃથ્થકરણ માટે વડોદરા સ્થિત ખોરાક અને ઔષધ પ્રયોગશાળામાં મોકલવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. ખાસ કરીને આ કીટ્સમાં રહેલા મીફેપ્રીસ્ટોન અને મીઝોપ્રોસ્ટોલ જેવા સંવેદનશીલ ઘટકોની ચકાસણી કરવામાં આવશે. આણંદ એસ.ઓ.જી. શાખા દ્વારા બંને આરોપીઓની ધરપકડ કરી આ ડ્રગ રેકેટના મૂળ સુધી પહોંચવા અને મુખ્ય સૂત્રધાર સુધી પહોંચવા સઘન તપાસ કરવામાં આવી રહી હોવાનું જાણવા મળેલ છે. 

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution