સબસિડી માટે રજિસ્ટ્રેશન પ્રક્રિયા એટલી અટપટી છે કે વચેટીયાઓ વગર અરજી પણ શક્ય નથી
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
17, સપ્ટેમ્બર 2026  |   4653

સુરતનાં ટેક્સ્ટાઇલ ક્લસ્ટરનાં નાના અને મધ્યમ ઉદ્યોગકારો માટે સરકારની ટેક્સ્ટાઇલ પોલિસી હેઠળ મળતી સહાય હવે સરળતાની જગ્યાએ ઓનલાઇન પ્રક્રિયાની ઝંઝટ બની રહી હોવાની ફરિયાદો ઉઠી છે. ગુજરાતની અત્યાર સુધીની ટેક્સ્ટાઇલ પોલિસીઓ હેઠળ મળતા વિવિધ લાભોનાં મહત્તમ ૯૦ ટકા સુધીનાં લાભાર્થી સુરતનાં ટેક્સ્ટાઇલ ક્લસ્ટરનાં એમએસએમઇ ઉદ્યોગકારો રહ્યાં છે. આમ છતાં ગુજરાત ટેક્સ્ટાઇલ પોલિસી-૨૦૨૪ હેઠળની યોજનાઓનો લાભ મેળવવા માટે શરૂ કરાયેલી ઓનલાઇન પ્રક્રિયા જ ઉદ્યોગકારો માટે મુશ્કેલીનું કારણ બની રહી છે.

અત્યાર સુધી ટેક્સ્ટાઇલ પોલિસીની વિવિધ યોજનાઓ માટે ઉદ્યોગકારો પાસેથી ઓફલાઇન અરજીઓ લેવામાં આવતી હતી. રાજ્ય સરકારે છેલ્લા થોડા સમયથી પોર્ટલ નક્કી કરીને ઓનલાઇન રજિસ્ટ્રેશન અને અરજીની પ્રક્રિયા શરૂ કરી છે. જાે કે ઉદ્યોગકારોનું કહેવું છે કે રજિસ્ટ્રેશનથી લઇને ડોક્યુમેન્ટ્સ અપલોડ કરવા સુધીની પ્રક્રિયા એટલી અટપટી છે કે સામાન્ય ટેક્સટાઇલ ઉદ્યોગકાર માટે જાતે અરજી કરવી મુશ્કેલ બની છે.

પરિણામે વચેટીયા કે એજન્ટની મદદ લીધા વિના ટેક્સ્ટાઇલ પોલિસી જ નહીં, ઔદ્યોગિક પોલિસીની વિવિધ યોજનાઓ માટે પણ અરજી કરવી મુશ્કેલ બની હોવાની ફરિયાદો ઉદ્યોગકારોમાંથી સામે આવી રહી છે. સુરતનાં ટેક્સ્ટાઇલ ઉદ્યોગકારોનાં વ્હોટ્સએપ ગ્રુપોમાં પણ ઓનલાઇન અરજીની પ્રક્રિયાને લઇને ટીકાઓ થઇ રહી છે. ઉદ્યોગકારોમાં કટાક્ષ થઇ રહ્યો છે કે, અરજી કરવાની વિધિ જ આટલી ઝંઝટભરી હોય તો યોજનાનો લાભ મળતાં સુધીમાં મોઢે ફીણ આવી જશે.

આ ઉપરાંત દરેક કંપનીનાં બેંક સર્ટિફિકેટ, લોનનાં દસ્તાવેજાે, બિલ, ઇન્વોઇસ અને અન્ય નાણાંકીય દસ્તાવેજાેની પદ્ધતિ અલગ હોય છે. ઉદ્યોગકારોની ફરિયાદ છે કે આ દસ્તાવેજાે કંપનીની વાસ્તવિક કામગીરી અને બેંકિંગ પ્રક્રિયા પ્રમાણે ઉપલબ્ધ હોવા છતાં સરકારી ઓનલાઇન સિસ્ટમમાં ચોક્કસ ફોર્મેટમાં દસ્તાવેજાે માગવામાં આવે છે. પરિણામે દસ્તાવેજાેને ફરીથી તૈયાર કરાવવા, યોગ્ય ફોર્મેટમાં ફેરવવા અને અપલોડ કરવા માટે પણ એજન્ટ કે અન્ય નિષ્ણાતની મદદ લેવી પડે છે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution