લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
16, સપ્ટેમ્બર 2026 |
4752
ઝારખંડનાં રાંચી જિલ્લામાં મહિલાની હત્યા કરી તેની લાશ સંતાડી દેવામાં આવી હોવાના આક્ષેપ સાથે નોંધાયેલા ચકચારી ગુનામાં હવે અજીબોગરીબ અને નાટકીય વળાંક આવ્યો છે. જે મહિલાની હત્યા થઈ હોવાનું માની તેના પતિ સહિત સાસરિયા સામે ઝારખંડના ખેલારી પોલીસ મથકમાં હત્યાનો ગુનો નોંધાયો હતો, તે જ મહિલા સુરતના સચિન જીઆઈડીસી વિસ્તારમાંથી જીવતી મળી આવતાં પોલીસ તપાસમાં ખળભળાટ મચી ગયો છે. સચિન જીઆઈડીસી પોલીસે બાતમીના આધારે મહિલાને શોધી કાઢતાં ઝારખંડનાં કથિત હત્યાકેસનું રહસ્ય વધુ ગૂંચવાયું છે.
પોલીસ સૂત્રોનાં જણાવ્યા મુજબ ઝારખંડના રાંચી જિલ્લાના ખેલારી પોલીસ મથકમાં ગત તા. ૨ સપ્ટેમ્બર, ૨૦૨૬ના રોજ ફરિયાદ નોંધાઈ હતી. ફરિયાદીએ પોતાની પુત્રી વિણી દેવી ઉર્ફે વિણા દેવીની તેના પતિ સામુ બંધુ મહતો તથા સાસરી પક્ષના અન્ય સભ્યોએ ભેગા મળી હત્યા કરી હોવાનો આક્ષેપ કર્યો હતો. ફરિયાદમાં એવો પણ આક્ષેપ કરાયો હતો કે હત્યા કર્યા બાદ મહિલાની લાશ સંતાડી દેવામાં આવી હતી. જેના આધારે હત્યાનો ગુનો નોંધી ઝારખંડ પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી. દરમિયાન સચિન જીઆઈડીસી પોલીસને બાતમી મળી હતી કે જે મહિલાની હત્યા થઈ હોવાનું ઝારખંડમાં નોંધાયેલા ગુનામાં જણાવાયું છે, તે મહિલા સુરતમાં હોવાની શક્યતા છે. જેના આધારે પોલીસની સર્વેલન્સ ટીમે તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન વિણી દેવી ઉર્ફે વિણા દેવી (ઉ.વ.૩૬), રહે. રાજુભાઈની ચાલ, શિવાંજલી સોસાયટી, સચિન જીઆઈડીસી, સુરત, મળી આવી હતી. મહિલા જીવતી અને સલામત મળી આવતાં સમગ્ર મામલામાં નવો વળાંક આવ્યો છે. જે મહિલાને મૃત માની તેની હત્યા અને લાશ સંતાડવા અંગે ગુનો નોંધાયો હતો તે સુરતમાં જીવતી મળી આવતાં હવે ઝારખંડ પોલીસની તપાસમાં પણ મહત્વપૂર્ણ પ્રશ્નો ઊભા થયા છે. મહિલા સુરત કેવી રીતે અને કયા સંજાેગોમાં પહોંચી તે સહિતની હકીકત બહાર આવ્યા બાદ સમગ્ર કેસનું સાચું રહસ્ય ખુલવાની શક્યતા છે.