લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
28, સપ્ટેમ્બર 2026 |
1584
લાલા નામનાં યુવક સાથેની દુશ્મનાવટમાં ભળતા યુવકને તેનો મિત્ર સમજી ઢોર માર મરાયો હતો, એટલું જ નહીં આ યુવકનું પાંડેસરા પિયુષ પોઇન્ટથી અપહરણ કરી નાગસેનનગર લઇ જઇ પહેલા માળેથી નીચે ફેંકી દેવાતાં તેને ગંભીર ઇજા પહોંચી હતી. પોલીસ સૂત્રો પાસે મળતી માહિતી અનુસાર પાંડેસરામાં પિયુષ પોઇન્ટ પાસે કર્મયોગી સોસાયટી વિભાગ-૦૨માં લોકેશ સતીષ ઠાકુર તેના પરિવાર સાથે રહે છે. વેસુ સ્થિત લોન્ડ્રીમાં કામ કરતો લોકેશ ઠાકુર ૨૫મી સપ્ટેમ્બરે રાત્રે સાડા આઠેક વાગ્યે એક્ટિવા લઇ વેસુ ભગવાન મહાવીર કોલેજ પાસે ઓપેરા હાઉસ ગયો હતો. જ્યાંથી મધરાત બાદ ઘરે જઇ રહ્યો હતો ત્યારે કર્મયોગી સોસાયટી વિભાગ-૦૨ના પાસે ઉભો રહ્યો હતો. દરમિયાન એક રિક્ષામાં રાજુ કાણીયો, હિમાંશું ઉર્ફે ગોલીયો અને વિકી બેસેલા હતાં.
આ યુવકોએ સતીષ ઠાકુરને રોકી તું લાલા કા આદમી હૈ, તું લાલા કે સાથ હમારે મહોલ્લે મે ક્યુ ઘુમ રહા થા એમ કહી લાલા કહા હૈ ? એવું પૂછ્યું હતું. સતીષે કું કોઇ લાલાને જાણતો નથી તેમ કહેતાં વિકી એવું બોલ્યો કે, આને બહુ મસ્તી છે, ચાલો તેને અહીંથી લઇ જઇ મસ્તી ઉતારીએ. વિકીની આ વાત બાદ અન્ય ત્રણ જણાએ ઠાકુરને પકડી જબરદસ્તી રિક્ષામાં બેસાડી દીધો હતો. તેઓ ઠાકુરનું અપહરણ કરી નાગસેન નગર ખાતે ખંડેર મકાનના પહેલા માળે લઇ ગયેલ હતા.
આ મકાનમાં સતીષને ગોંધી એ ટોળકીએ આડેધડ માર મારવા માંડ્યો હતો. દરમિયાન રાજુ કાણીયાએ કોઇ લોખંડ જેવા બોથડ ૫દાર્થ વડે સતીષના જડબા ના ભાગે ઘા મારી દીધો હતો. સાથે જ લાલા કહા હૈ બતા દે વરના જ્યાદા માર પડેગા એમ કહી વધુ માર માર્યો હતો. સતીષે ફરી તેઓને હું લાલાને ઓળખતો નથી, તે કોણ છે એની મને ખબર નથી એમ કહ્યું હતું. જાે કે એ બદમાશોએ સાચુ ન બોલે તો તારુ પુરુ જ કરી નાંખવાનું છે એમ કહી સતીષને પહેલા માળેથી નીચે ફેંકી દીધો હતો. ત્યારબાદ તેઓએ બુમ પાડી નીચે ઉભા રહેલા રિક્ષાના ચાલકને સતીષને પકડવા કહ્યું હતું. ચાલકે પકડી લેતાં એ યુવકો નીચે આવ્યા અને ફરી માર માર્યો હતો. બાદમાં વિકી, ગોલીયો અને રાજુએ ગંભીર રીતે ઘવાઈ ચૂકેલા સતીષ ઠાકુરને ઉઠાવી રિક્ષામાં બેસાડ્યો હતો. બાદમાં તેને ફરી પિયુષ પોઇન્ટ લઇ જઇ બ્રિજ નીચે છોડી દીધો હતો. આ ટોળકી હવે પછી લાલા સાથે અહીં દેખાયો તો મારી નાખીશું એવી ધમકી આપી જતી રહી હતી.
પહેલા માળેથી નીચે ફેંકાયો હોય સતીષનાં બંને પગ, કમરનાં મણકામાં ગંભીર ઇજા પહોંચી ચૂકી હોય તે હલન ચલન કરી શકતો ન હતો. આવી સ્થિતિમાં અઢી વાગ્યાનાં અરસામાં સતીષની સોસાયટીમાં રહેતા રવિન્દ્ર પાટીલ ત્યાંથી પસાર થયા હતાં. સતીષે બુમ પાડી તેમને બોલાવ્યા હતાં. ત્યારબાદ પાટીલના જાણ કરવાથી સતીષની માતા સ્થળ પર દોડી આવી હતી. તેણીએ ૧૦૮ પર કોલ કરી એમ્બુલન્સ બોલાવી અને સતીષને સારવાર માટે સિવિલ લઇ ગઇ હતી. સિવિલમાં સારવાર સાથે સતીષે હત્યાના ઇરાદે હુમલો કરી જીવલેણ ઇજા પહોંચાડનાર રાજુ કાણીયો, હિમાંશુ ગોલીયો અને વિકી (તમામ રહે, નાગસેન નગર) સામે ફરિયાદ નોંધાવી હતી.