દિવાળીમાં ફટાકડા પર સંપૂર્ણ પ્રતિબંધ નહીં લાગે : સુપ્રીમ 
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
30, સપ્ટેમ્બર 2026  |   2673

દિવાળીના પવિત્ર તહેવાર પૂર્વે દેશભરમાં ફટાકડા પર પ્રતિબંધ લાદવાની માગણી કરતી અરજીઓ પર સુપ્રીમ કોર્ટે આજે અત્યંત મહત્વપૂર્ણ ટિપ્પણી કરી છે. દેશની સર્વોચ્ચ અદાલતે સ્પષ્ટ કર્યું છે કે સમગ્ર દેશમાં ફટાકડા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાનો કોર્ટનો કોઈ ઈરાદો નથી, કારણ કે દિવાળીનો તહેવાર કરોડો લોકોની ધાર્મિક લાગણીઓ અને ભાવનાઓ સાથે સીધો જાેડાયેલો છે.

સુનાવણી દરમિયાન જસ્ટિસ એમ. એમ. સુંદરેશે જણાવ્યું હતું કે, દેશવ્યાપી સંપૂર્ણ બેન લાદવાથી લોકોની લાગણીઓ દુભાઈ શકે છે. જાેકે, સાથોસાથ અદાલતે એ પણ ટાંક્યું હતું કે ફટાકડા ફોડવા માટે ૨૪ કલાકની અવિરત મંજૂરી આપી શકાય નહીં. સતત થતા ધુમાડા અને અવાજથી બીમાર વ્યક્તિઓ, વડીલો અને નાના બાળકોના સ્વાસ્થ્ય પર ગંભીર વિપરીત અસર પડે છે. તેથી કોર્ટનો મુખ્ય હેતુ લોકોની તહેવાર ઉજવવાની ભાવના જળવાઈ રહે અને નાગરિકોના આરોગ્યનું રક્ષણ થાય તે બંને વચ્ચે યોગ્ય સંતુલન સાધવાનો છે. હવે આ ચર્ચાસપદ અને મહત્વના મુદ્દા પર સુપ્રીમ કોર્ટમાં આગામી સુનાવણી ૧૫ ઓક્ટોબરના રોજ હાથ ધરવામાં આવશે, જેમાં ફટાકડા અંગેના આખરી દિશાનિર્દેશો જાહેર થઈ શકે છે.



સમયમર્યાદા-ગ્રીન ફટાકડા પર વિચારણા 

સર્વોચ્ચ અદાલતે નિર્દેશ આપ્યા છે કે તે સમગ્ર દેશમાં ફટાકડાના પ્રકાર (જેમ કે ગ્રીન ફટાકડા) અને તેને ફોડવાની ચોક્કસ સમયમર્યાદા નક્કી કરવા પર ગંભીરતાથી વિચાર કરશે. ઉલ્લેખનીય છે કે, વર્ષ ૨૦૧૫થી દિલ્હી-NCR અને ઉત્તર ભારતમાં શિયાળા દરમિયાન વધતા વાયુ પ્રદૂષણને ધ્યાનમાં રાખીને કોર્ટ વિવિધ આદેશો આપતી આવી છે. ૨૦૨૫માં પણ શરતોને આધીન ગ્રીન ફટાકડા માટે મર્યાદિત સમયની છૂટ આપવામાં આવી હતી.


CPCBઅને કેન્દ્ર પાસે રિપોર્ટ મગાયો

એડિશનલ સોલિસિટર જનરલ ઐશ્વર્યા ભાટીએ ફટાકડામાં બેરિયમની હાજરીની તપાસ અને સંયુક્ત ફાયર ટેસ્ટ કરીને ડેસિબલ (અવાજનું) સ્તર નિર્ધારિત કરવા માટે સમય માગ્યો હતો. તેમણે લડી જેવા જાેઈન્ટ ફટાકડાના નિર્માણ માટે ચોક્કસ શરતો સાથે મંજૂરી આપવા સૂચન કર્યું હતું. કોર્ટે આ સૂચન ધ્યાને લઈ સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ અને કેન્દ્ર સરકારને વધુ પરીક્ષણ કરવા સમય આપ્યો છે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution