લંડન:

ગાંધીજી વાપરતા  એ લાકડાની ચમચી, કાંટા ચમચી અને વાટકા (તાંસળી-બાઉલ)ની બ્રિટનના બ્રિસ્ટોલમાં દસમી જાન્યુઆરીએ હરાજી થશે. હરાજી માટે લઘુતમ કિંમત ૫૫ હજાર પાઉન્ડ નક્કી કરવામાં આવી છે. આ કિંમતે પણ કોઈ ભારતીય ખરીદે તો મૂળ કિંમત, કમિશન, ડયુટી, જીએસટી વગેરે ઉમેરીને કિંમત ૧.૨ કરોડ સુધી પહોંચે. જોકે આ લઘુતમ ભાવ છે. 

હરાજી નિષ્ણાતોના મતે ૫૫ હજારને બદલે બોલી ૮૦ હજાર પાઉન્ડે પહોંચે તો તેની વેચાણ કિંમત ભારતીય રૂપિયામાં છેવટે ૨ કરોડ જેવી થાય. એથીય કિંમત વધારે થાય તો અંતે સામાન્ય લેખાતા વાટકા-ચમચીનો ભાવ આસમાની આવી શકે. ગાંધીજી વાપરતા હતા એવી અનેક ચીજો ભારત સાચવી શક્યુ નથી. પરદેશમાં પહોંચી ગઈ છે અને ત્યાં ઊંચી કિંમતે તેની હરાજી થાય છે. સાદગીપૂર્ણ જીવન જીવતા ગાંધીજીની ચીજોના અતિ મોંઘા મૂલ પેદા થાય છે. 

આ ચમચી-વાટકાનો દુર્લભ સેટ ગાંધીજીના અનુયાયી સુમતિ મોરારજીના સંગ્રહમાં હતો. સુમતિદેવી ભારતીય વહાણવટા ઉદ્યોગમાં અગ્રણી મહિલા હતા અને ૧૯૯૮માં તેમનું નિધન થયુ હતુ. ગાંધીજી સાથે તેઓ આઝાદીની ચળવળમાં જોડાયેલા હતા. હરાજી કરનારી કંપની ઈસ્ટ બ્રિસ્ટોલ ઓક્શનરના કેટલોક પ્રમાણે આ ચીજો ગાંધીજી પુનાના આગાખાન પેલેસમાં નજરકેદ હતા એ દરમિયાન અને મુંબઈ રહ્યા હતા એ વખતે વાપરતા હતા.