લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
25, જુલાઈ 2026 |
2574
શુક્રવાર રાતથી મેઘરાજાએ વિરામ લીધો છે. વરસાદનાં વિરામ સાથે ખાડીઓની સપાટીમાં ધીમેધીમે ઘટાડો નોંધાઈ રહ્યો છે. શહેરનાં લિંબાયત ઝોન વિસ્તારમાં આવેલ મીઠીખાડી અને આસપાસનાં વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ યથાવત રહેવા પામી છે. સણિયા હેમાદથી માંડીને ગોડાદરા-લિંબાયતનાં નીચાણવાળા વિસ્તારોમાં ખાડીપૂરનાં પાણીનાં ભરાવાને કારણે વહીવટી તંત્ર દ્વારા પાણીનાં નિકાલ માટેની યુદ્ધનાં ધોરણે કવાયત શરૂ કરવામાં આવી છે. ચોથા દિવસે સીમાડા ખાડી ભયજનક સપાટી કરતાં નીચે આવી છે. જાેકે હવે મીઠીખાડીની સપાટીમાં પણ ધીમે ધીમે ઘટાડો થઈ રહ્યો છે.
સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં આભ ફાટ્યા જેવી સ્થિતિ ઉપસ્થિત થતાં માત્ર એક પખવાડિયામાં જ સુરત શહેરમાં બીજી વખત ખાડીપુરે શહેરને ઘમરોળી નાખ્યું હતું. ખાડી પુરની વિકટ સ્થિતિને પગલે વહીવટી તંત્ર દ્વારા અલગ - અલગ વિસ્તારોમાંથી સેંકડો નાગરિકોનું સ્થળાંતર કરવાની ફરજ પડી હતી. અલબત્ત, સુરત શહેરમાં છાશવારે ખાડીપૂરને કારણે નાગરિકોનો આક્રોશ હવે સાતમા આસમાને પહોંચ્યો છે. ખાડીપૂર મુદ્દે રાજ્ય અને સ્થાનિક સ્તરની બે અલગ-અલગ કમિટી બનાવવામાં આવી છે. અલબત્ત, ઉપરવાસમાં ભારે વરસાદને પગલે સુરત શહેરમાં મીઠીખાડી સહિતની ખાડીઓમાં પૂર આવતાં નીચાણવાળા વિસ્તારોમાં પાંચથી આઠ ફુટ સુધીનાં પાણી ભરાઈ જવાને કારણે નાગરિકોને નાછૂટકે સ્થળાંતર કરવાની ફરજ પડે છે. અલબત્ત, છેલ્લા બે દિવસનાં વરસાદ બાદ આજે સુરત સહિત ઉપરવાસમાં મેઘરાજાએ વિરામ લેતાં નાગરિકોની સાથે સાથે વહીવટી તંત્રે પણ હાશકારો અનુભવ્યો છે. જાે કે, મીઠીખાડી અને સીમાડાખાડી હજી પણ ભયજનક સપાટીની લગોલગ વહેતી જાેવા મળી રહી છે. આ સ્થિતિમાં કુંભારિયા ગામથી માંડીને સારોલી, સણિયા હેમાદ, ગોડાદરા, પરવતગામ અને લિંબાયતમાં મીઠીખાડીની આસપાસનાં વિસ્તારોમાં ખાડીપુરનાં પાણીનો ભરાવો યથાવત રહ્યો છે. અલબત્ત, જે સ્થળેથી વરસાદી પુરનાં પાણી ઓસરી રહ્યા છે ત્યાં તંત્ર દ્વારા સફાઈ અભિયાન હાથ ધરવામાં આવી રહ્યું છે પરંતુ સારોલી સહિતનાં વિસ્તારમાં ખાડીપૂરનાં પાણી આજે પણ યથાવત રહેતાં આસપાસ આવેલ ટેક્સ્ટાઈલ માર્કેટોમાં કામકાજ બંધ રહેવા પામ્યું છે. એપીએમસી માર્કેટથી -કડોદરા હાઈવે સુધીનાં વાહન વ્યવહાર પણ બંધ રહ્યો હતો.
ખાડીપૂરે વધુ એકનો ભોગ લીધો : પરવત પાટિયા ખાતે કેનાલમાં યુવાન ડૂબી ગયો
ખાડીપૂરે શહેરમાં આર્થિક નુક્સાન તો વેર્યું જ છે સાથો સાથ માનવ જિંદગીનો પણ ભોગ લીધો છે. આજે પરવતપાટિયા ખાતે કેનાલમાં ડૂબી જતાં મૃત્યુ પામનાર યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. છેલ્લા ત્રણ દિવસમાં ચાર વ્યક્તિનાં ડૂબી જવાથી મોત નીપજ્યાં છે. પર્વત પાટિયા ખાતે આવેલી કેનાલમાં આજે સવારે અજાણ્યા પુરુષની લાશ જાેવા મળતાં તાત્કાલિક ફાયર કંટ્રોલને જાણ કરવામાં આવી હતી ફાયરબ્રિગેડનાં જવાનોએ ભારે જહેમત કરી કેનાલમાંથી લાશ બહાર કાઢી હતી અને સ્થળ ઉપર હાજર પોલીસને કબજાે સોંપવામાં આવ્યો હતો. પોલીસે જરૂરી કાર્યવાહી કરીને લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી. ફાયર ઓફિસરે જણાવ્યું હતું કે મરનારની ઉમર આશરે ૩૫ વર્ષની હતી. જાે કે હાલમાં તેની ઓળખ થઈ નથી. બીજા બનાવમાં ડીંડોલી વિસ્તારમાં પ્રિયંકા નગર માનસી રેસિડેન્સી પાસે ડીંડોલી ખાડીમાં એક અજાણ્યા યુવકની લાશ મળી હતી. જેને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવી છે. જાેકે તેની ઓળખ થવા પામી નથી. બનાવને પગલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ગઇકાલે શુક્રવારે પાલનપોર કેનાલરોડ હળપતિવાસ પાસે તેમજ ન્યુબમરોલી રોડ અલથાણ ખાડીબ્રિજ પાસેથી બે વ્યક્તિનાં મૃતદેહ મળ્યાં હતાં.