ઇથોપિયામાં બંધક ત્રણ યુવાનો વતન પરત ફર્યા
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
01, ઓક્ટોબર 2026  |   1881

ગેરકાયદેસર રીતે અમેરિકા જવાની લાલચમાં એજન્ટોની જાળમાં ફસાઈને ઇથોપિયામાં બંધક બનેલા ગુજરાતના ત્રણ યુવાનો અંતે સહીસલામત વતન પરત ફર્યા છે. મહેસાણા અને ગાંધીનગર જિલ્લાના ઋત્વિજ, મમતા અને મયુરી નામના ત્રણેય યુવક-યુવતીઓ ગુરુવારે વહેલી સવારે મુંબઈ એરપોર્ટથી ગાડી મારફતે વડસ્મા ગામે પોતાના ઘરે પહોંચ્યા ત્યારે પરિવારજનોની આંખો ખુશીથી છલકાઈ ગઈ હતી. અપહરણકર્તાઓએ પરિવારો પાસેથી ₹૧ કરોડની તોતિંગ ખંડણી માંગી હતી, પરંતુ ભારત સરકારના વિદેશ મંત્રાલય અને મહેસાણા પોલીસની સચોટ વ્યૂહરચનાના કારણે એક પણ રૂપિયો ચૂકવ્યા વિના ત્રણેયને મુક્ત કરાવાયા હતા. ઘરે પહોંચ્યા બાદ યુવાનોએ પરિવાર સાથે સધી માતાજીના મંદિરે દર્શન કર્યા હતા, જ્યાં ઋત્વિજના ભાભીએ ત્રણેય હેમખેમ આવે ત્યાં સુધી ગામનું પાણી નહીં પીવાની રાખેલી બાધા પૂર્ણ કરી હતી.

મહેસાણા જિલ્લા પોલીસ વડા હિમાંશુ સોલંકીના જણાવ્યા અનુસાર, મહેસાણા પોલીસ સતત વિદેશ મંત્રાલયના સંપર્કમાં રહીને દસ્તાવેજી પ્રક્રિયા અને સંકલન સાધી રહી હતી. તપાસ દરમિયાન અપહરણકારો સાથે સીધી વાતચીત કરીને અને પરિવારની આર્થિક સ્થિતિ જણાવીને કાયદાકીય તથા રાજદ્વારી દબાણ ઊભું કરવામાં આવ્યું હતું. ભારતીય તંત્રની આ ઉચ્ચસ્તરીય સમયસૂચકતા અને કડક વલણને કારણે અપહરણકારો કોઈપણ પ્રકારની ખંડણી લીધા વિના યુવાનોને મુક્ત કરવા મજબૂર બન્યા હતા. ત્રણેય યુવાનો પરત ફરતાં પરિવારજનો અને ગ્રામજનોએ ભારે રાહતનો શ્વાસ લીધો હતો. યુવાનો સુરક્ષિત પરત ફરતાંની સાથે જ પોલીસે તેમને ગેરકાયદેસર રીતે વિદેશ મોકલી મોતના મુખમાં ધકેલનારી બોગસ એજન્ટ સિન્ડિકેટ સામે કડક કાર્યવાહી શરૂ કરી છે. લાંઘણજ પોલીસ સ્ટેશન દ્વારા આ કૌભાંડમાં સંડોવાયેલા વડોદરા અને મહેસાણાના સ્થાનિક એજન્ટો સામે તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. માનવ તસ્કરી (હ્યુમન ટ્રાફિકિંગ) આચરતા આંતરરાષ્ટ્રીય નેટવર્કને તોડી પાડવા માટે પોલીસે કાયદેસરની તપાસ તેજ કરી છે.


© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution