પતિના ત્રાસથી છૂટકારો મેળવવા રાજસ્થાની પરિણીતાએ છરીથી પોતાનું ગળું કાપી નાખ્યું
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
01, ઓક્ટોબર 2026  |   1980

ડિંડોલી પોલીસ પાસે મળતી માહિતી અનુસાર રાજસ્થાનના નાગોર જિલ્લાના વતની શ્રવણરામ જસારામ ચૌધરીએ તેમની દીકરી મમતાના લગ્ન વર્ષ ૨૦૦૮માં સોહન ભવરારામ ચૌધરી સાથે કરાવ્યા હતાં. સોહન સાથેનાં દાંપત્ય જીવનમાં મમતા એક દીકરો અને એક દીકરી એમ બે સંતાનોની માતા બની હતી. ત્યારબાદ વર્ષ ૨૦૧૭માં સોહન અને મતતા સુરત રહેવા આવ્યા હતાં. અલગ અલગ વિસ્તારમાં મકાન ભાડે રાખી રહ્યા બાદ સોહને વર્ષ ૨૦૨૬માં ડિંડોલીમાં દેલાડવા ગામે અમૃત નિકેતન સોસાયટીમાં મકાન ખરીદ્યું હતું.

જુન ૨૦૨૬માં આ મકાનનું વાસ્તુ પૂજન રખાતા શ્રવણરામ તેમના પત્ની મુન્નીદેવી સાથે અહીં આવ્યા હતાં. એ સમયે મમતાએ જણાવ્યું હતું કે, સોહન મારી સાથે અવાર નવાર નજીવી બાબતે લડાઇ ઝઘડો કરે છે. એ સમયે માતા-પિતાએ બધુ સારુ થશે એમ કહી મમતાને સમજાવી હતી. સાથે જ તેઓએ જમાઇ સોહન ચૌધરી સાથે પણ આ મુદ્દે વાત કરી મમતાને હેરાન પરેશાન નહિ કરવા ટકોર કરી હતી. ત્યારબાદ પણ સોહનનો ત્રાસ યથાવત રહ્યો હતો. દરમિયાન ગત ૨૧મી સપ્ટેમ્બરે બપોરે મમતાએ વીડિયો કોલ કર્યો પરંતુ પિતાથી રીસીવ થયો ન હતો. ત્યારબાદ તેમણે સાંજે મમતાને તોલ કર્યો એ સમયે તેણીએ ફરી સોહનના ત્રાસની વાત કરી અને હવે મારાથી સહન થતું નથી એમ કહી કોલ કટ કરી દીધો હતો. બે દિવસ બાદ ૨૪મી તારીખે સાંડે ભત્રીડા અજીતે શ્રવણરામ ચૌધરીના ઘરે જઇ કહ્યું હતું કે, મમતાબેન કોઇક રીતે મૃત્યું પામ્યા છે એવો કોલ આવ્યો હોય આપણે સુરત જવું પડશે. જેથી શ્રવણરામ તેમના ભત્રીજા અને ભાણેજ સાથે સુરત આવી પહોંચ્યા હતાં. ૨૫મી તારીખે તેમને સ્મીમેર હોસ્પિટલમાં મમતાનો મૃતદેહ બતાવાયો હતો. જેમાં ગળાની ડાબી બાજુએ તથા ડાબા હાથના કાંડા પર ઇજાના નિશાન દેખાયા હતાં. પોસ્ટમોર્ટમ બાદ તેઓ મમતાનો મૃતદેહ અંતિમ સંસ્કાર માટે વતન લઇ ગયા હતાં. મરણોત્તર વિધિ પુરી થયા બાદ શ્રવણરામે પોલીસનો સંપર્ક કરતાં તેમણે મમતાએ જાતે જ છરીથી ગળે તથા હાથના કાંડે ઘા મારી આપઘાત કર્યાની વાત કરી હતી. તેણીએ પતિ સોહન ચૌધરીના ત્રાસથી કંટાળી આ પગલું ભર્યું હોય શ્રવણરામે તેની સામે આપઘાતની દુષ્પ્રેરણાનો ગુનો નોંધાવ્યો હતો.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution