લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
13, સપ્ટેમ્બર 2026 |
2475
શહેર બપોર બાદ જાેતજાેતામાં જળબંબાકાર થઇ ગયુ હતું . ભર બપોરે જ રાત્રીના આઠ વાગ્યા હોય તેવી વાતાવરણ સર્જાઇ ગયુ હતુ . ધોધમાર વરસાદે શહેરીજનોને ભીંજવી નાંખ્યા હતા અને રસ્તાઓ ઉપર ગોઠણસમા પાણી ભરાઇ ગયા હતા જેને કારણે ઠેકઠેકાણે ટ્રાફિક જામના દ્રશ્યો જાેવા મળ્યા હતા. તેમાંય આજે રવિવાર અને દુંદાળા દેવનું આગમન થનાર હોવાને કારણે ગણેશભક્તો મૂર્તિઓ લેવા ઉમટી પડતા જૂની પાસપોર્ટ ઓફિસ, હોલીવુડ જેવા માર્ગોઉપર તો વરસાદને કારણે પાણી ભરાયાં, લોકોની ભીડ અને એએમટીએસ અને બીઆરટીએસની બસોને કારણે ટ્રાફિક જામ સર્જાયો હતો.
અમદાવાદ શહેરમાં આજે મેઘરાજાએ તોફાની પધરામણી કરી છે. કાળાડિબાંગ વાદળોના ઘેરાવા વચ્ચે અચાનક દિવસ દરમિયાન જ શહેરમાં ગાઢ અંધારપટ છવાઈ ગયો હતો. ત્યારબાદ વીજળીના ભયાનક કડાકા-ભડાકા અને જાેરદાર પવનના સપાટા સાથે અનરાધાર વરસાદ શરૂ થઈ ગયો હતો.પશ્ચિમ અમદાવાદના પોશ વિસ્તારો જેવા કે વસ્ત્રાપુર, સેટેલાઇટ, એસ.જી. હાઇવે, શિવરંજની અને શ્યામલ ચાર રસ્તા પર તોફાની પવન સાથે મુસળધાર વરસાદ વરસ્યો હતો. દિવસ દરમિયાન અંધારું છવાઈ જતાં અને વિઝિબિલિટી ખૂબ જ ઓછી થઈ જતાં વાહનચાલકોને હેડલાઇટો ચાલુ રાખીને વાહનો ચલાવવાની ફરજ પડી હતી.બીજી તરફ, પૂર્વ અમદાવાદના ઔદ્યોગિક અને ગીચ વસ્તી ધરાવતા વિસ્તારોમાં પણ મેઘરાજાએ આક્રમક બેટિંગ કરી હતી. હાટકેશ્વર, સીટીએમ, રખિયાલ અને સોનીની ચાલી વિસ્તારમાં ભારે પવન સાથે પડેલા ધોધમાર વરસાદને કારણે રસ્તાઓ પર પાણી વહેતા થઈ ગયા હતા. વીજળીના ગડગડાટ સાથે શરૂ થયેલા આ વરસાદથી વાતાવરણમાં ભારે ઠંડક પ્રસરી ગઈ છે. જાેકે, અચાનક શરૂ થયેલા તોફાની વરસાદના કારણે મુખ્ય માર્ગો પર વાહનવ્યવહાર ધીમો પડી જતાં વાહનચાલકો અને નોકરિયાત વર્ગને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે .અમદાવાદમાં આજે સવારે દસ વાગ્યાથી સાંજના છ વાગ્યા સુધી સરેરાશ એક ઇંચ કરતાં વધુ વરસાદ નોંધાયો હતો જેમાં સૌથી વધુ વરસાદ ઉત્તર ઝોનમાં લગભગ બે ઇંચ જ્યારે પશ્ચિમ ઝોનમાં દોઢ ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો.