શહેરમાં ડિફેન્સના નામે નકલી દારૂનો વેપાર
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
21, ઓગ્સ્ટ 2026  |   3960

ભાવનગર લઠ્ઠાકાંડમાં નકલી ઇંગ્લિશ દારૂ પીવાથી ૯થી વધુના મોત નિપજ્યા છે ત્યાં અમદાવાદના નિકોલમાં ડિફેન્સના નામે સસ્તી બ્રાન્ડનો દારૂ બોટલોમાં ભરી કેમિકલ અને ફ્લેવર ભેળવી મોંઘી બ્રાન્ડની દારૂના સ્ટીકર લગાવી નકલી વિદેશી દારૂ વેચવાના કૌભાંડનો નિકોલ અને એસએમસી પોલીસે પર્દાફાશ કર્યો છે. જેમાં એક આરોપીને ઝડપી પાડ્યો છે, જ્યારે બે ફરાર છે. નકલી ઇંગ્લિશ દારૂ બનાવી છૂટક વેચાણ કરતા નિકોલ પોલીસ સ્ટેશનની સર્વેલન્સ સ્ક્વોડના પોલીસ કર્મચારીઓને સ્ટેટ મોનિટરિંગ સેલ તરફથી બાતમી મળી હતી કે અટલ આવાસ યોજનાના ગેટ પાસે સુનિલ માખીજા અને દિનેશ જંડાવાલા નામના શખ્સો ભેગા મળી બનાવટી અંગ્રેજી દારૂ તૈયાર કરી છૂટકમાં વેચાણ કરે છે. એસએમસી અને સ્થાનિક પોલીસે રેડ પાડી જ્યુપિટર પાસે ઉભેલા સુનિલ ઉર્ફે સોનુ રમેશભાઈ માખીજાને ઝડપી લીધો હતો. બાદમા ડેકીમાંથી એક દારૂની બોટલ મળી આવી હતી.

ઘરેથી શંકાસ્પદ પ્રવાહી ભરેલી ૪ બોટલ, પ્લાસ્ટિકની ૪ બોટલ મળી ઉપરાંત આરોપી પાસેથી રૂ.૫,૦૦૦ની કિંમતનો એન્ડ્રોઇડ મોબાઇલ ફોન મળી આવ્યો હતો. જે પોલીસે કબ્જે કરીને તપાસ દરમિયાન દિનેશ જંડાવાલાના કુબેરનગર સ્થિત ઘરેથી શંકાસ્પદ પ્રવાહી ભરેલી ચાર બોટલો, પ્લાસ્ટિકની ચાર બોટલો અને એક આધારકાર્ડ મળી આવ્યું હતું. જ્યારે પોલીસે કુલ રૂ. ૯૫૦૦ મુદ્દામાલ કબ્જે કર્યો છે.

મોંઘી બ્રાન્ડની દારૂના બનાવટી સ્ટીકર લગાવી વેચતા આરોપીઓની પૂછપરછ કરતા સસ્તી બ્રાન્ડનો દારૂ બોટલોમાં ભરી તેમાં અલગ-અલગ કેમિકલ તથા ફ્લેવર ભેળવી મોંઘી બ્રાન્ડની દારૂના બનાવટી સ્ટીકર અને ડિફેન્સનો દારૂ હોવાનું બતાવવા તેનો સિમ્બોલ લગાવી વેચતા હતા. જ્યારે દિનેશ ચામુંડા બ્રિજ પાસે ભંગારની દુકાન ધરાવતા શખ્સ પાસેથી ખાલી બોટલો અને બ્રાન્ડેડ સ્ટીકર અને તેની પર લગાવવાના સીલ લાવતો હતો. આ અંગે નિકોલ પોલીસે ત્રણેય સામે ગુનો નોંધીને સુનિલની ધરપકડ કરી ફરાર બે આરોપીની શોધખોળ શરૂ કરી છે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution