લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
13, સપ્ટેમ્બર 2026 |
2376
શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા રખિયાલમાં પ્રસિદ્ધ બ્રાન્ડ ‘તિરુપતિ કપાસિયા તેલ’ના નામે નકલી તેલનું વેચાણ કરીને ગ્રાહકો અને કંપની સાથે આર્થિક ઠગાઈ આચરવાના કૌભાંડનો રખિયાલ પોલીસે પર્દાફાશ કર્યો છે. એન.કે. પ્રોટીન્સ પ્રાઇવેટ લિમિટેડ કંપનીના અધિકૃત અધિકારીની ફરિયાદના આધારે પોલીસે દરોડો પાડીને એક શંકાસ્પદ વેપારીને નકલી તેલના ૪૮ ડબ્બા સાથે ઝડપી લીધો છે. કબ્જે કરાયેલા રૂ. ૧,૩૫,૪૦૦ના મુદ્દામાલ સાથે પોલીસે કોપીરાઈટ એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી વિગતો અનુસાર, એન.કે. પ્રોટીન્સ કંપનીમાં નોકરી કરતા ભૂપેન્દ્ર મહેન્દ્રભાઈ દાણીને બાતમી મળી હતી કે રખિયાલમાં ગુજરાત બેકરી પાસે આવેલા ‘ધાણીવાળા ટ્રેડર્સ’ નામના સરનામે તેમની કંપનીની લોકપ્રિય બ્રાન્ડ ‘તિરુપતિ કપાસિયા તેલ’નું ડુપ્લિકેશન કરીને બોગસ તેલ વેચવામાં આવી રહ્યું છે. આ માહિતીના આધારે કંપનીના અધિકારીઓએ રખિયાલ પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો હતો. ત્યારબાદ પોલીસ સ્ટાફ અને પંચોની ટીમે ધાણીવાળા ટ્રેડર્સ પર સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધર્યું હતું.પોલીસ તપાસ દરમિયાન દુકાનમાંથી અમિત રામકેશલાસ કુશવાહ (ઉં.વ. ૪૦, રહે. ત્રિકમલાલ ભોગીલાલની ચાલી, અજિત મિલ ચાર રસ્તા, રખિયાલ) મળી આવ્યો હતો. દુકાનના ગ્રાઉન્ડ ફ્લોર પર તપાસ કરતા એન.કે. પ્રોટીન્સ કંપનીના માર્કાવાળા ૪૮ ડબ્બા મળી આવ્યા હતા.