લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
17, સપ્ટેમ્બર 2026 |
4554
આણંદ જિલ્લામાં નશીલા પદાર્થોના ગેરકાયદેસર ખરીદ-વેચાણ અને હેરાફેરી સામે પોલીસ દ્વારા સઘન કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.આ જ કામગીરીના ભાગરૂપે એસઓજીની ટીમે તારાપુર મોટી ચોકડી સર્કલ પાસેથી નંબર પ્લેટ વગરની મારુતિ બ્રેઝા કારને અટકાવી બે શખ્સોને ઝડપી પાડી બંને પાસેથી સિરપની ૧૩૫ બોટલો સહિત કુલ રૂ.૩,૬૯,૬૧૦નો મુદ્દામાલ કબજે કર્યો છે. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમને સાથે રાખી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.પ્રાપ્ત વિગત અનુસાર આણંદ જિલ્લામાં નશાકારક દવાઓ અને માદક પદાર્થોની ગેરકાયદેસર પ્રવૃત્તિ અટકાવવા પોલીસ દ્વારા પેટ્રોલિંગ અને વોચ વધારવામાં આવી છે. જે અંતર્ગત એસઓજીની ટીમને તારાપુરથી બગોદરા તરફ જવાના માર્ગ પર તારાપુર મોટી ચોકડી સર્કલ પાસે નંબર પ્લેટ વગરની મારુતિ બ્રેઝા કાર શંકાસ્પદ હાલતમાં મળી આવી હતી.પોલીસે કારમાં સવાર મનુભાઈ ઉર્ફે બકો હેમુભાઈ સોલંકી અને પ્રકાશભાઈ ભરતભાઈ સોલંકી, બંને રહે. સરગવાળા, મીઠાપરા, તા. ધોળકા, જી. અમદાવાદને ઝડપી પાડ્યા હતા.તપાસ દરમિયાન તેમની પાસેથી કફ સિરપની ૧૩૫ બોટલો, બે મોબાઈલ ફોન, રૂ.૩૪,૩૬૦ની રોકડ રકમ અને મારુતિ બ્રેઝા કાર મળી આવી હતી. કબજે કરાયેલા મુદ્દામાલની કુલ કિંમત રૂ.૩,૬૯,૬૧૦ હોવાનું પોલીસે જણાવ્યું છે. આ મામલે તારાપુર પોલીસ મથકે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જ્યારે વજુભાઈ, રહે. પચેગામ નામના અન્ય એક શખ્સને પકડવાનો બાકી હોવાનું પોલીસ દ્વારા જણાવાયું છે.આણંદ જિલ્લા પોલીસની આ કાર્યવાહીથી નશાકારક દવાઓની ગેરકાયદેસર હેરાફેરી કરનારામાં ફફડાટ વ્યાપી જવા પામ્યા નું જાણવા મળેલ છે.