લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
13, સપ્ટેમ્બર 2026 |
3465
અમદાવાદના વ્યસ્ત અને મુખ્ય વેપારી મથક ગણાતા કાલુપુર રેલવે સ્ટેશન સામે આવેલા લોઢાવાલા ચેમ્બરમાંથી ચોંકાવનારી ચોરીની ઘટના સામે આવી છે. ટ્રાન્સપોર્ટ અને પાર્સલ સર્વિસ ચલાવતા વેપારીની પેઢીમાં કામ કરતા ઉત્તર પ્રદેશના બે સગા ભાઈઓ ટેબલના ખાનામાંથી તથા વેપારી પાસેથી ઉઘરાવેલા મળીને કુલ રૂ. ૪૫,૨૯,૯૧૦/- રોકડા ચોરીને છૂમંતર થઈ ગયા છે. આ અંગે કાલુપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધી આરોપી ભાઈઓની શોધખોળ આદરી છે.
મળતી વિગતો અનુસાર, મણિનગર વિસ્તારમાં રહેતા અને મૂળ બીકાનેરના વતની મધારામ લીચમનરામ શર્મા કાલુપુર રેલવે સ્ટેશન સામે લોઢાવાલા ચેમ્બરની દુકાન નંબર ૫ અને ૯માં ‘કે. માંગીલાલ પાર્સલ સર્વિસ‘ નામે ભાગીદારીમાં ટ્રાન્સપોર્ટનો વ્યવસાય કરે છે. તેમની પેઢીમાં છેલ્લા નવ મહિનાથી યુપીના આગ્રા જિલ્લાના હસનપુરા બસઈ ગામનો ૨૩ વર્ષીય યશવીર રામાઅવતાર પરમાર નોકરી કરતો હતો. જ્યારે તેનો મોટો ભાઈ ૨૫ થી ૩૦ વર્ષનો દલવીર રામાઅવતાર પરમાર પણ દોઢ મહિનાથી અહીં જ નોકરીએ રહ્યો હતો. બંને ભાઈઓ ટ્રાન્સપોર્ટની ઓફિસે જ રહેતા હતા અને જમતા હતા.ગત ૭ સપ્ટેમ્બરના રોજ બપોરે એક વાગ્યાના સુમારે મધારામ શર્મા ધંધાના કામકાજ અર્થે સી.જી. રોડ જવા નીકળ્યા હતા. તે સમયે ઓફિસના ટેબલના ખાનામાં વેપારના રૂ. ૪૦,૨૯,૯૧૦/- રોકડા મુકેલા હતા. મધારામે કર્મચારી યશવીરને રોકડ સાચવવાની સૂચના આપી હતી અને મોટા ભાઈ દલવીરને કાલુપુર પાંચકુવા ખાતેના વેપારી દીપુભાઈ (હર્ષિકા ફેશન) પાસેથી રૂ. ૫,૦૦,૦૦૦/- રોકડા લઈ આવવા જણાવ્યું હતું.સાંજે પાંચ વાગ્યાના સુમારે મધારામ શર્મા પરત આવ્યા ત્યારે ઓફિસના મુખ્ય દરવાજે લોક મારેલું હતું. મધારામે યશવીરને ફોન કરતા તેણે ‘હું પાંચ મિનિટમાં આવું છું’ તેમ કહ્યું હતું. જાેકે, ત્યારબાદ બંને ભાઈઓના મોબાઈલ ફોન સ્વિચ ઓફ થઈ ગયા હતા. શંકા જતાં મધારામે અન્ય સ્ટાફ સૌરભ, રાજભાઈ અને ગુલશનને બોલાવી દરવાજાનું લોક તોડી તપાસ કરતા ટેબલનું ખાનું તૂટેલું હતું અને અંદર મુકેલા રૂ. ૪૦.૨૯ લાખ ગાયબ હતા. બીજી તરફ, દલવીરે પાંચકુવાના વેપારી પાસેથી પણ રૂ. ૫ લાખ મેળવી લીધા હોવાનું ખુલ્લું પડ્યું હતું.આમ, બંને ભાઈઓએ માલિકના વિશ્વાસનો અનાદર કરી કુલ રૂ. ૪૫,૨૯,૯૧૦ની રકમ પોતાના થેલામાં ભરી ચોરી કરી ભાગી છૂટ્યા હતા. સાંજે ચાર વાગ્યાના સુમારે બંને ભાઈઓ હાથમાં થેલા લઈને જતા હોવાના દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયા હતા. કાલુપુર પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી આરોપીઓની ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યા છે.