ડુપ્લિકેટ ઘર આયુર્વેદિક સાબુ બનાવી ઇ-કોમર્સ પ્લેટફોર્મ મીશો પર વેચતાં બે યુવકો ઝડપાયા
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
07, ઓક્ટોબર 2026  |   1881

ઔદ્યોગિક નગરી તરીકે પ્રસ્થાપિત થયેલા સુરતમાં બ્રાન્ડની નકલનો ગોરખ ધંધો પણ ખૂબ મોટાપાયે ફૂલ્યોફાલ્યો છે. અહીં એફએમસીજી માર્કેટની તમામ પ્રોડક્ટનું ડુપ્લીકેશન થઇ રહ્યું છે. આ સીલસીલા અનુસાર લસકાણા પોલીસે જાણીતી ઘર સોપ્સ બ્રાન્ડનાં ડુપ્લિકેટ સાબુનો જંગી જથ્થો ઝડપી પાડ્યો છે. ડુપ્લિકેટ સાબુ બનાવી તેનું ઓનલાઇન ઈ-કોમર્સ પ્લેટફોર્મ થકી વેચાણ કરી ગ્રાહકો સાથે વિશ્વાસઘાત છેતરપિંડી કરવામાં આવતી હતી. પોલીસે ૨.૦૪ લાખ કિંમતના ૨,૦૦૦ બોક્સ સાબુ કબજે લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

લસકાણા પોલીસ પાસે મળતી માહિતી અનુસાર ચોક્કસ બાતમી મળી હતી કે, લસકાણા ગઢપુર રોડ પર આવેલી એન. સી. ઠક્કર સ્કૂલ સામેનાં સહજાનંદ હબની ઓફિસ નંબર-૧૦૪માંથી ડુપ્લિકેટ સાબુનું વેચાણ થઈ રહ્યું છે. ખાનગી રાહે તપાસ કરાવ્યા બાદ આ ઓફિસ પર છાપો મારવામાં આવ્યો હતો. ઓફિસમાંથી પોલીસે ચિરાગ રંગાણી (રહે. આશિર્વાદ રો-હાઉસ, સરથાણા જકાતનાકા) અને દીપકભાઈ કાળુભાઈ રાદડિયા (રહે. શ્યામ એન્ટેલિયા, મોટા વરાછા)ને અટકાયતમાં લઇ તપાસ કરી હતી.

આ ઓફિસમાંથી ઘર શોપ નામની બ્રાન્ડ જેવા જ હૂબહૂ ડુપ્લિકેટ સાબુ મળી આવ્યા હતા. આ સાબુ ત્વચા પરથી ટેનિંગ દૂર કરવા, ડાઘ-ધબ્બા ઘટાડવા અને ચમકદાર ત્વચા માટે ખૂબ જ લોકપ્રિય છે. તેમાં ચંદન, કેસર, અને નાળિયેર તેલ જેવા પ્રાકૃતિક ઘટકો હોવાથી તેની ખાસ્સી ડીમાન્ડ રહે છે. આ જ કારણોસર તેનું ડુપ્લિકેશન પણ ખુબ થઇ રહ્યું છે. ઓફિસમાંથી પોલીસને ત્રણ સાબુ ભરેલા એક એવા ૨,૦૦૦ બોક્સ એટલે કે કુલ ૬,૦૦૦ નંગ સાબુ મળી આવ્યા હતા. ૧૦૨ રૂપિયા વેચાણ કિંમત લેખે ૨,૦૪,૦૦૦ રૂપિયા કિંમતનો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો હતો.

ચિરાગ રંગાણી અને દીપક રાદડિયાની તપાસમાં એવી વાત બહાર આવી હતી કે, તેઓ છેલ્લા ૪ મહિનાથી આ ડુપ્લિકેટ સાબુનું વેચાણ કરી રહ્યાં હતાં. ઓરિજિનલ કંપનીનું ૩ સાબુનું પેકેટ બજારમાં ૩૯૯ રૂપિયામાં વેચાય છે, જેની સામે આ આરોપીઓ ભારે ડિસ્કાઉન્ટ કે ઓફરના નામે ઓનલાઇન ઈ-કોમર્સ પ્લેટફોર્મ મીશો પર માત્ર ૧૦૨ રૂપિયામાં નકલી સાબુ ગ્રાહકોને પધરાવી આર્થિક ફાયદો મેળવતા હતા.

તપાસમાં એવું પણ બહાર આવ્યું હતું કે, આ ઓફિસ માત્ર પેકેજિંગ યુનિટ તરીકે કામ કરતી હતી. નકલી સાબુનો જથ્થો મોટા વરાછા ખાતે રહેતો શખ્સ સપ્લાય કરતો હતો. પોલીસ સપ્લાયરની ઓફિસે પહોંચી ત્યારે તે દુકાન બંધ કરી ફરાર થઈ ગયો હોવાનું સામે આવ્યું છે. ચિરાગ અને દીપકે એમ પણ જણાવ્યું હતું કે, પ્રોડક્ટ બાબતે કોઈ ગ્રાહક તકરાર કે ફરિયાદ કરે, પ્રોડક્ટ રિટર્ન કરે તો ગોરખધંધાનું સ્થળ ના મળે એ ઇરાદે તેઓ એડ્રેસ પણ પોતાના ઘરનું રાખ્યું હતું.

બ્રાન્ડની નકલનો ગોરખધંધો કરતાં પકડાયેલા યુવકો પાસે જીએસટી કે ડિસ્ટ્રિબ્યુટર શીપ અંગેનું કોઈ જ લાયસન્સ કે બિલ મળ્યું નથી. હાલ લસકાણા પોલીસે આ મામલે જાણવાજાેગ ફરિયાદ નોંધી છે. સાથે જ ઓનલાઇન વેચાણનું પેમેન્ટ કયા બેંક એકાઉન્ટમાં જમા થતું હતું અને આ નકલી સાબુ ક્યાં બનાવવામાં આવતા હતા તે દિશામાં પોલીસે તપાસ તેજ કરી છે.


© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution