કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ બોપલ-ઘુમામાં જળબંબાકાર મુદ્દે લોકોની રજૂઆત સાંભળશે
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
22, ઓગ્સ્ટ 2026  |   1683

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ આગામી ૨૭ ઓગસ્ટે ગુજરાતના એકદિવસીય પ્રવાસે આવી રહ્યા છે. રક્ષાબંધનના પર્વ નિમિત્તે દર વર્ષની જેમ આ વખતે પણ ગુજરાતની મુલાકાતે આવી રહેલા અમિત શાહના પ્રવાસ દરમિયાન જાહેર સભા, લોક દરબાર, વિકાસ કાર્યોના લોકાર્પણ તેમજ ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠકો યોજાવાની છે.પોતાના સંસદીય મતવિસ્તાર અમદાવાદ અંતર્ગત આવતા બોપલ અને ઘુમા વિસ્તારમાં ભારે વરસાદ બાદ સર્જાયેલી જળબંબાકારની સ્થિતિને લઈને અમિત શાહ ખાસ લોક દરબાર યોજશે. આ દરમિયાન તેઓ સ્થાનિક નાગરિકો, સોસાયટીઓના ચેરમેન અને સેક્રેટરીઓ સાથે સીધો સંવાદ કરશે. જુલાઈ મહિનામાં પડેલા ભારે વરસાદના કારણે બોપલ અને ઘુમા વિસ્તારમાં વરસાદી પાણી ભરાઈ જતાં સ્થાનિકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. વિસ્તાર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભળ્યાને આશરે પાંચ વર્ષનો સમય વીતી ગયો હોવા છતાં ડ્રેનેજ અને વરસાદી પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા અંગે સ્થાનિકોમાં અસંતોષ જાેવા મળ્યો હતો.આ સ્થિતિને ધ્યાનમાં રાખીને હવે કેન્દ્રીય ગૃહમંત્રીની ઉપસ્થિતિમાં લોક દરબાર યોજાશે. લોક દરબારમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, ઔડા તેમજ રાજ્ય સરકારના ઉચ્ચ અધિકારીઓ હાજર રહેશે. અમિત શાહ પોતાના પ્રવાસ દરમિયાન ગાંધીનગર ખાતે નવા તૈયાર કરાયેલા ક્રિકેટ ગ્રાઉન્ડનું લોકાર્પણ પણ કરશે. આ ઉપરાંત ગાંધીનગર શહેર અને જિલ્લા ભાજપ સંગઠનના અગ્રણી હોદ્દેદારો સાથે વિશેષ બેઠક યોજાશે. પ્રવાસ દરમિયાન અમરેલી ખાતે વિશાળ જાહેરસભાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. સભા મારફતે તેઓ જનસંવાદ સાધશે અને સ્થાનિક કાર્યકરો તથા જનતા સાથે જાેડાશે.


© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution